આજે 1 ફેબ્રુઆરીના રોજ ઔડાના 48મા સ્થાપના દિવસ નિમિત્તે SP રિંગરોડને સિક્સ લેન કરવાની જાહેરાત કરાઈ છે. શહેરની ફરતે આવેલો હયાત રિંગરોડ 4 લેનનો છે. પ્રથમ ફેઝમાં 37 કિલોમીટર જેટલા સર્વિસ રોડ સાથેનો રોડ પહોળો કરાશે. એના માટે રૂ. 848નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે બીજા ફેઝમાં 39 કિલોમીટર રોડને સર્વિસ રોડ સાથે પહોળો કરાશે. 76 કિલોમીટર લાંબો રોડ હવે સિકસ લેન બનશે. ઔડા દ્વારા એક વર્ષ અગાઉ સિક્સ લેન રોડ કરવા માટેની ડિઝાઈન, ટ્રાફિક, સર્વે દ્વારા જંક્શન પર નવા ફ્લાયઓવર બનાવવા વગેરે અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રિંગ રોડ સિક્સ લેન બનતાં અહીંથી દરરોજ પસાર થતા અંદાજે એક લાખ વાહનચાલકોના સમયનો બચાવ થશે અને ટ્રાફિકમાં રાહત મળશે.
સરદાર પટેલ રિંગ રોડનો મુખ્ય કેરેજ વે, જે હાલમાં ફોર લેન છે, જેને સિક્સ લેન થશે, જેમાં હયાત સર્વિસ રોડ, જે હાલમાં બે લેન છે. એને ઉપલ્બધ રોડની પહોળાઇને ધ્યાન લઇ 34 કિ.મી. લંબાઇમાં 4 લેન અને 15 કિ.મી. લંબાઇમાં 3 લેન મુજબ બંને તરફના સર્વિસ રોડ વિકસાવવામાં આવશે. સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રિજની બન્ને બાજુ 3 લેનના નવીન બ્રિજ બનાવવામાં આવશે.
ભાટ સર્કલ, ચિલોડા સર્કલ તથા અસલાલી સર્કલ પર થતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઈને 6 લેન અંડરપાસ તથા હયાત ત્રાગડ અંડરપાસની બન્ને બાજુ બીજા ડબલ નવીન અંડરપાસ બનાવવામાં આવશે. રિંગ રોડની આસપાસ વિકસી રહેલા વિસ્તાર અને વધતા જતાં રહેવાસીઓની અવરજવર તથા રોડ ક્રોસિંગ અંગેની સલામતીના ભાગરૂપે રિંગ રોડ પર તમામ હયાત VUPની પહોળાઇ વધારવા તથા 6 નવીન ફુટઓવર બ્રિજ બનાવવામાં આવશે.
સરદાર પટેલ (એસપી) રિંગ રોડ પર દિવસ દરમિયાન અંદાજિત એક લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે. રિંગ રોડ પર 6 નેશનલ હાઈવે તથા 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રિંગ રોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.
સરદાર પટેલ રિંગ રોડ ઉપર નવા બ્રિજ અને અંડરપાસની સાથે રાહદારીઓ રોડ ક્રોસ કરી શકે એના માટે નવા ફૂટઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઔડા દ્વારા રિંગ રોડ પર પૂર્વ તરફ 6 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેમાં વટવા નિકોલ અને નાનાચિલોડા પાસે મુખ્ય જંક્શન રોડ પર આ ફુટઓવર બ્રિજ બનશે, જેના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં તકલીફ પડશે નહીં.






Leave a comment