અદાણી સંચાલિત જી.કે.જન. હોસ્પિ.માં ચાલતા એન.અર.સી.માં જરૂરિયાતમંદ બાળકોને અપાતી પોષણ અને ચિકિત્સા સારવાર

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં કાર્યરત પોષણ પુનર્વસન કેન્દ્ર (ન્યુટ્રિશન રિહેબ સેન્ટર) માં અપૂરતું પોષણ ધરાવતા કુપોષિત બાળકોની પોષણ અને ચિકિત્સા સબંધી દેખભાળ અને સારવાર કરવામાં આવે છે.

જી.કે.જનરલ હોસ્પિટલ અને રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ પોષણ પુનર્વસન કેન્દ્રમાં એક મહિનાથી લઈને ૫ વર્ષ સુધીની વયના જેમને પોષણની ભરપૂર આવશ્યકતા છે, એવા જરૂરિયાતમંદ બાળકોને માતા કે વાલી સાથે ઉપચાર અને જરૂરી પોષણ માટે દાખલ કરવામાં આવે છે.

કચ્છ જિલ્લાના બાળ વિકાસ પ્રોગ્રામ અધિકારી જાગૃતિબેન જોશીએ આ સેન્ટરની મુલાકાત લઈ, સંતોષ વ્યક્ત કર્યો હતો. જી.કે.ના આહારશાસ્ત્રી સોનુબેન યાદવે તેમજ સેન્ટરના સ્ટાફ નર્સ નેહાબા જાડેજાએ પ્રોગ્રામ ઓફિસરને અત્રે ચાલતી બાળકોની પોષણ પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. જી.કે.ના ડાયેટીશિયન તેમજ  આસી.ન્યુટ્રિશન ભાવિનીબેન દવે દ્વારા બાળકો માટે સૂચિત ખોરાક તેમજ સંભાળ માટે વાલીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. મુખ્ય સેવિકા રસીલાબેન ચાવડા પણ સાથે રહ્યા હતા.

હોસ્પિટલના  બાળરોગ  નિષ્ણાત અને આ વિભાગના હેડ ડો.રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ કેન્દ્રમાં માતા અને બાળકની પૂરતી સંભાળ રાખવામાં આવે છે અને હોસ્પિટલના બાળરોગ વિભાગ તેમજ જિલ્લાના આશાવર્કર બહેનો તેમજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય તબીબો અને વર્કરો મારફતે કુપોષિત બાળકોને અત્રે પોષણ પૂરું પાડવા તેમજ સારવાર માટે મોકલવામાં આવે છે.

જી.કે.ના આ કેન્દ્રમાં એક સાથે ૨૦ જરૂરિયાતમંદ બાળકોને અને સંભાળ માટે માતાને દાખલ થવાની વ્યવસ્થા છે. તેમને ૧૪ દિવસ અને વધુમાં વધુ ૨૧ દિવસ રાખી ઉપચાર કરવામાં આવે છે. શરૂઆતમાં માતાને ૬ મહિના સુધી ધાવણ આપવાની સમજ આપવામાં આવે છે. ત્યારબાદ નરમ ખોરાક જેમકે રાબ, દાળ, ભાત જેવા ખોરાક માટે પ્રેરિત કરાય છે.

બાળકને પોષિત કર્યા પછી રજા આપ્યા બાદ પણ દવાની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ બાળક  દીઠ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત રકમ પણ આવામાં આવે છે. હોસ્પિટલમાં બાળકોના ઉપચાર માટે તબીબોની ટીમ, આયા બહેન, સ્ટાફ નર્સ વિગેરે સેવારત છે. બાળકોને એનિમિયા,થેલેસેમીયા કે અન્ય કોઈ ગંભીર બીમારીની સારવાર પણ આપવામાં આવે છે.

Leave a comment

Trending