આજે એટલે કે 11 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1018 પોઈન્ટ (1.31%)ના ઘટાડા સાથે 76,293 પર બંધ થયો. નિફ્ટી પણ 309 પોઈન્ટ (1.32%) ઘટીને 23,071ના સ્તરે બંધ થયો. બજાર સતત 5માં ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયું છે
શેરબજારમાં ઘટાડાને કારણે 4 કલાકમાં જ રોકાણકારોના 10 લાખ કરોડ ધોવાયા છે. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 4%નો ઘટાડો થયો છે. મીડિયા ઈન્ડેક્સ પણ 3%થી વધુ ઘટ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા અને જાહેર ક્ષેત્રની બેંકોના ઈન્ડેક્સમાં 2%થી વધુનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ અને આઈટી ઈન્ડેક્સ 1.50% ઘટ્યો છે. ગઈકાલે એટલે કે 10 ફેબ્રુઆરીએ પણ સેન્સેક્સમાં 548 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને નિફ્ટીમાં પણ 178 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ વધારવાના પગલા પછી બજાર સતત ઘટી રહ્યું છે. ટ્રમ્પનું આ પગલું સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ટ્રોડ વોરનો ભય ઉભો થયો છે. ટ્રમ્પે એલ્યુમિનિયમ ટેરિફ 10% થી વધારીને 25% અને સ્ટીલની આયાત પર 25% કરી છે, જે અગાઉ અમેરિકામાં ડ્યુટી ફ્રી હતી.
રૂપિયાની સતત નબળાઈ બજારના સેન્ટિમેન્ટને નબળી બનાવી રહી છે. સોમવારના રોજ રૂપિયો યુએસ ડોલર દીઠ રૂ. 88ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો જો કે આજે એટલે કે મંગળવારે રૂપિયો 21 પૈસા મજબૂત થયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચાણને વેગ આપે છે કારણ કે તેમના વાસ્તવિક રિટર્નમાં ઘટાડો થાય છે.
નબળા Q3 કમાણીએ પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પાડ્યું છે. આજે પરિણામ આવ્યા બાદ આઇશર મોટર્સના શેરમાં 7%નો ઘટાડો થયો હતો. કંપનીના Q3FY25માં નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 17.5% વધીને રૂ. 1,170.5 કરોડ થયો, પરંતુ આ અપેક્ષા કરતાં ઓછો છે. ઊંચી કિંમતવાળી અને ઉચ્ચ માર્જિનવાળી મોટરસાઇકલની વેચાણમાં ઘટાડાને કારણે નફો ઘટ્યો છે.
ખરેખરમાં અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાને કારણે ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. જેની અસર સીધી શેરબજારમાં જોવા મળી રહી છે. આ સિવાય યુએસ ડૉલરની મજબૂતીને કારણે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.
ભારત અમેરિકામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં સ્ટીલની નિકાસ કરે છે, પરંતુ એલ્યુમિનિયમના મામલામાં સ્થિતિ અલગ છે. ભારત વિશ્વમાં એક મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક દેશ છે અને અમેરિકા તેનો સૌથી મોટો ખરીદનાર છે. આ ટેરિફને કારણે ભારતની એલ્યુમિનિયમ નિકાસને અસર થઈ શકે છે. તેમ ઉદ્યોગ જગતના નિષ્ણાતો કહે છે વેદાંતા અને હિન્ડાલ્કો જેવી ભારતીય કંપનીઓ સમય સાથે નવા બજારો શોધી લેશે, પરંતુ ત્યાં સુધી તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ નિર્ણય એ સમય આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમેરિકાની મુલાકાતે જવાના છે.






Leave a comment