વાઈ પ્રકોપ નહિ પણ મગજની બીમારી હોવાથી અંધશ્રદ્ધામાં પડવાને બદલે તબીબી સારવાર લેવી

વિશ્વમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રતિ બીજા સોમવારે વિશ્વ એપીલેપ્સી અર્થાત વાઈ દિવસ મનાવવામાં આવે છે. મગજના આ વિકારના રોગનો ઉપચાર કરવાને બદલે લોકો તેને કોઈ પ્રકોપ સમજી અંધ શ્રદ્ધાની બેડીમાં પોતાની જાતને જકડી લે છે.જો કે હવે સમાજ સારવારની દિશામાં વિચારતો થયો છે.તેમ છતાં  આ રોગના ૩૦ ટકા રોગીઓ હજુ દોરા,ધાગા,ઝાડુ નંખાવવાના નુસખા કરે છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના મેડીસિન વિભાગના હેડ અને પ્રોફે. ડો.દેવિકા ભાટે કહ્યું કે,આ રોગ સંપૂર્ણ મગજની બીમારીને લગતો છે.જી.કે.ના ઈમરજન્સી વિભાગમાં ગત મહિને અંદાજે ૧૪૦ જેટલા વાઇના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

વિશ્વમાં ૫ કરોડ લોકો આ રોગથી વધતે ઓછે પીડિત છે,જે પૈકી ૩૫ વર્ષ સુધીની વય ધરાવતાની સંખ્યા ૬૫ ટકા જેટલી છે.તબીબોના જણાવ્યા મુજબ આ રોગ ૭૫ થી ૮૦ ટકા સુધી મટી શકે છે,પરંતુ શરત એ છે કે,સારવાર અધ્ધ વચ્ચે છોડવી નહિ.સર્વે મુજબ ૪૦ ટકા પૂરી સારવાર જ નથી કરાવતા.દોરા,ધાગા પાછળ જ સમય બરબાદ કરે છે.

માટે જ હિંમત હાર્યા વિના અને તબીબો ઉપર સંપૂર્ણ ભરોસો મૂકીને સારવાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.આ રોગની પરિસ્થિતિ અંગે મેડીસિન વિભાગના તબીબો કહે છે કે, આવા એટેક વખતે વ્યક્તિનું વર્તન બદલી જાય છે. દર્દીના હલનચલન અથવા તેની ચેતનાને પણ અસર કરે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને વધુ સારી આરોગ્ય સંભાળ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

વાઈના લક્ષણો અંગે તબીબો કહે છે કે, શરીરમાં થાક લાગે, વ્યક્તિ બેહોશ પણ થઈ જાય, માંસ પેશીઓમાં જકડન અથવા ખેંચાણ આવે અગર તો સંકોચાઈ પર જાય, વ્યક્તિમાં ભૂલવાની બીમારી શરૂ થઈ જાય, દર્દી આ અસામાન્ય વ્યવહાર કરતો પણ જણાય અને તેની ચેતના પણ ચાલી જતી હોય છે.માટે દર્દી સાથે ક્યારેય તેના આ રોગ પ્રત્યે સામાજિક ભેદભાવ રાખવાનો પ્રયાસ કુટુંબી કે સમાજે હરગીઝ કરવો નહિ.

વાઈના હુમલા વખતે લેવાની સંભાળ:

જ્યારે વાઈનો એટેક આવે ત્યારે દર્દીને બુટ ચંપલ જોડા કે મોજાં સુંઘાડવાની ની ભૂલ ક્યારે કરવી નહીં, જ્યારે આ એટેક આવે ત્યારે મોઢામાં ચમચી નાખવી નહિ, દર્દીને ઘેરીને ઉભા રહેવું નહીં ઘેરીને ઊભા રહેવાથી દર્દીને સ્વચ્છ હવા મળતી ન હોવાને કારણે પણ તેનો આવો હુમલો લંબાઇ શકે છે. સાથે સાથે એપિલેપ્સીના દર્દીએ વાહન ચલાવવાથી દૂર રહેવું.આવી પરિસ્થિતિમાં તબીબોની સલાહ લેવી.

Leave a comment

Trending