ગુજરાતમાં લધુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં સતત લધુતમ અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તેવામાં લધુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર હોવાથી બેવડી ઋતુનો અનુભવ થાય છે. જ્યારે ચારેય મહાનગરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર પહોંચતા ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાશે. ફેબ્રુઆરી માસમાં હજુ પણ આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈપણ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર નથી જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે. તથા ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જે પણ મેદાની પ્રદેશમાં થઈને ગુજરાત તરફ આવી રહ્યા છે. જેને કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આગામી ત્રણ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત છે, પરંતુ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેશે તથા ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનું વધારો થવાની શક્યતાઓ છે તથા મહત્તમ તાપમાન પણ આગામી એક સપ્તાહ સુધીમાં 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. ફેબ્રુઆરી માસમાં જ વધતા જતા તાપમાનને કારણે ગુજરાતવાસીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.

લધુતમ અને મહત્તમ તાપમાન રાઈઝીંગ ટેન્ડેન્સીમાં રહેવાની શક્યતાઓ છે એટલે કે હજુ પણ આગામી પાંચથી સાત દિવસ દરમિયાન લધુતમ અને મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. બેવડી ઋતુનો અનુભવ થતાં ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 ફેબ્રુઆરી બાદ રોગિષ્ટ ઋતુ શરૂ થશે જે સતત બે મહિના સુધી યથાવત્ રહેશે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લધુતમ તાપમાન નલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લધુતમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લધુતમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં લધુતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લધુતમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લધુતમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Leave a comment

Trending