પાકિસ્તાનમાં આજથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થઇ રહી છે. આ પહેલા ICC એ નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતનો સ્ટાર બેટર અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ વનડે ફોર્મેટમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેણે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. વનડેમાં ટોપ-10 બેટરોની યાદીમાં ભારતના ચાર ખેલાડીએ સ્થાન મેળવ્યું છે. ગિલ સિવાય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાન પર, વિરાટ કોહલ છઠ્ઠા સ્થાન પર અને શ્રેયસ અય્યર નવમાં સ્થાને છે. શ્રેયસને પણ એક સ્થાનનો ફાયદો થયો છે.
પાકિસ્તાની બેટર બાબર આઝમ બીજા સ્થાને સરકી ગયો છે. ગિલનું રેટિંગ 796 છે, જ્યારે બાબરનું રેટિંગ 773 છે. રોહિતનું રેટિંગ 761 છે. દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન 756 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલ 740 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.
હાલમાં શુભમન ગિલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની વનડે સીરિઝમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી. તેણે ત્રણ મેચમાં 86.33ની સરેરાશ અને 103.60ની સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા હતા. રોહિતે પણ એક સદી ફટકારી હતી. જેને લીધે તે ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.
રેન્કિંગને લઈને ICC એ જણાવ્યું હતું કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલા રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન અને દુબઈમાં રમનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમો જેવું પ્રદર્શન કરશે? આવું બીજી વખત બન્યું છે કે જ્યારે ગિલે વનડે ક્રિકેટની રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હોય. ગિલે વર્ષ 2023માં પણ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન બાબરને પાછળ ધકેલીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.’






Leave a comment