વિશ્વની ત્રીજી મોટી ઓટો બજાર ભારતમાં પોતાના વીજ સંચાલિત વાહનો દોડતા કરવા એલન મસ્કની કંપનીએ તૈયારી શરૂ કરી દીધી હોવાના સંકેત મળી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લિન્કડઈન તથા પોતાની વેબસાઈટ પર ટેસ્લાએ એક ડઝન જેટલા ઊંચા હોદ્દા માટે વિજ્ઞાાપન જારી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત વેળાએ એલન મસ્ક સાથે થયેલી મંત્રણામાં ટેસ્લાને ભારતમાં તેના વાહનોના વેચાણ માટે સહમતિ સધાઈ હોવાનું જણાય છે.
ટેસ્લાએ નોકરી માટે આપેલી વિજ્ઞાાપનમાં કરાયેલા વર્ણન પરથી જણાય છે કે તે મુંબઈમાં વેચાણ એકમ, સર્વિસ તથા ટેકારૂપ નેટવર્ક સ્થાપવા ઈરાદો ધરાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ટેસ્લાના વીજ વાહનો દોડતા થાય તેવી સરકાર અને મસ્ક દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભારતમાં જ વાહનોના ઉત્પાદન અને ઊંચા ટેરિફને કારણે સરકાર સાથેની અગાઉની બે મંત્રણા સફળ રહી નહોતી.
મોદી સાથેની મુલાકાત બાદ એલન મસ્ક હવે ભારતમાં પોતાના વાહનો દોડતા કરવા ત્રીજી વખત પ્રયાસ કરી રહ્યા છે.
ભારતમાં વિદેશી કારો પર જંગી ટેરિફને કારણે ટેસ્લાની કારની કિંમત અહીં ઘણી ઊંચી થવા જાય છે, જે તેના વેચાણમાં અવરોધરૂપ બની શકે છે તેમ લાગતા ટેસ્લાએ ડયૂટી ઘટાડવા માગણી કરી હતી જે સરકારે અગાઉ માન્ય રાખી નહોતી.
આ ઉપરાંત ટેસ્લા તેના વાહનોનું ભારતમાં જ ઉત્પાદન કરે તેવા સરકારના આગ્રહને પણ કંપનીએ માન્ય રાખ્યો નહતો.
જો કે સરકારે હવે ૪૦,૦૦૦ ડોલરથી વધુના વીજ વાહનો પરની ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડી ૭૦ ટકા કરી છે.
ટેસ્લાના ભારતમાં આગમન સાથે દેશમાં ઓટો બજારમાં ચિત્ર બદલાતુ જોવા મળશે અને વીજ સંચાલિત વાહનોના ફેલાવામાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.






Leave a comment