રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આગમન માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ સૌપ્રથમ કચ્છ એરપોર્ટ પર આવશે. એરપોર્ટ પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ તેઓ ધોરડો ગામની મુલાકાત લેશે. સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ માટે VVIP ટેન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
1લી માર્ચે રાષ્ટ્રપતિ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લેશે. આ 5000 વર્ષ જૂનું હડપ્પન સંસ્કૃતિનું નગર છે. તેઓ સફેદ રણથી ધોળાવીરા જતા ‘રોડ ટુ હેવન’ તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે. આ માર્ગ છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે.
રાષ્ટ્રપતિ ભુજમાં સ્મૃતિવન સ્થિત ભૂકંપ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. આ મ્યુઝિયમ 2001ના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ધોળાવીરા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના સર્કિટ હાઉસમાં કલરકામ, મરામત, સાફ-સફાઈ, નવા છોડનું વાવેતર અને એસી રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.






Leave a comment