ઘોરાડને બચાવવા ટાસ્કફોર્સ રચવા પીએમની સૂચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વચ્ચે 12 વર્ષ બાદ ફરી ઘોરાડનું ગુજરાતમાં તેમને સ્મરણ કર્યું અને સંવર્ધનની સૂચના આપી હતી.

નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે ચિત્તા મુદ્દે અગાઉ થયેલ જાહેરાત મુદ્દે તેમણે મધ્યપ્રદેશમાં ગાંધીસાગર અભયારણ્ય અને ગુજરાતમાં બન્નીનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ ઘોરાડ સંરક્ષણના પ્રયાસોને વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે નેશનલ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ સાથે જ વન્યજીવ સંરક્ષણ વ્યૂહરચના અને મંત્રાલય માટે ભવિષ્યની કામગીરીનો રોડમેપ તૈયાર કર્યો હતો. રીંછ, ઘરિયાલ અને ઘોરાડના સંરક્ષણ અને વિકાસ પર કામ કરવા વિવિધ ટાસ્ક ફોર્સની રચના કરવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના મેમ્બર, એચ.એસ સિંઘએ કહ્યું કે, ઘોરાડના બ્રિડીંગ પ્રોગ્રામને અગ્રીમતા આપવા મુદ્દે ચર્ચા થઇ છે. IUCN બસ્ટાર્ડ સ્પેશિયાલિસ્ટ ડો.દેવેશ ગઢવીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ આવકારદાયક પગલું છે. વર્ષ 2013માં તત્કાલીન સી.એમ નરેન્દ્ર મોદીએ કચ્છના ઘોરાડનું નજરાણું ગણાવી, તેની સંખ્યા વધારવા નેમ વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, બસ્ટાર્ડ કન્ઝર્વેશન સેન્ટરના વિકાસ થકી જમ્પ સ્ટાર્ટ ટેક્નિક આપવાની કચ્છના ઘોરાડની વસ્તીને પુનર્જીવિત કરવાની સુવર્ણ તક ગુજરાત ન ગુમાવે તો સારું ! ડિસેમ્બરમાં જોઈન્ટ સેક્રેટરીથી લઈને અંડર સેક્રેટરી સહીત અધિકારીઓ અને નિષ્ણાતો સમાવિત કરતી સુપ્રીમ કોર્ટ નિષ્ણાત કમિટી કચ્છ આવી હતી. જેમાં ઘોરાડના છેલ્લા દાયકાઓમાં મૃત્યુ, વીજલાઇન અને અન્ય પરિબળો સહીત મુદ્દાઓ સામેલ હતા. જો કે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. આ રિપોર્ટ ગુજરાતમાં ઘોરાડનું ભવિષ્ય નક્કી કરવા મહત્વપૂર્ણ બનશે.

Leave a comment

Trending