NPCI એ સાઈબર ફ્રોડની એક નવી મોડસ ઓપરેન્ડી અંગે એલર્ટ જાહેર કરી લોકોને ચેતવ્યા

સાઈબર ગઠિયાઓ હવે છેતરપિંડીની એક નવી ટેકનિક સાથે બજારમાં આવી ગયા છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ ના તમને ઓટીપી પૂછવાની જરૂર છે કે ના તો લિંક મોકલવાની. બસ એક કોલ કરશે અને તે મર્જ કરવાનું કહેશે, તમે કોલ મર્જ કરો એટલે તમારું બેન્ક ખાતું ખાલી. કૌભાંડની આ પદ્ધતિની ખૂબી એ છે કે તમને લેશ માત્ર શંકા નથી જતી.શહેરમાં સાઈબર ફ્રોડના રોજ સરેરાશ 30થી 40 કેસ નોંધાય છે.

આ કૌભાંડ ધીરે ધીરે એટલું વ્યાપક બની રહ્યું છે કે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ લોકોને સાવધાન રહેવા `X’ પર એલર્ટ મેસેજ પોસ્ટ કરવો પડ્યો. યુપીઆઈ કે ઓનલાઈન બેન્કિંગ કરતી દરેક વ્યક્તિએ આ કૌભાંડ કેવી રીતે થાય છે તે જાણવું જરૂરી છે અને એથી વધુ ‘પાણી પહેલા પાળ’ બાંધી સતર્ક રહેવું વધારે જરૂરી છે. કારણ કે સાઈબર નિષ્ણાતો કૌભાંડની એક ટેકનિક ઉઘાડી પાડે ત્યાં સુધીમાં તો સાઈબર ગઠિયા કોઈ નવી ટેકનિક શોધી લાવે છે. કોલ મર્જ કૌભાંડમાં યુઝરને કોલ મર્જ કરવાનું કહી ગઠિયા તેમની જાણ બહાર ઓટીપી સેરવી લઈ બેન્કનું ખાતું ખાલી કરી નાખે છે.

આ રીતે થાય છે કોલ મર્જ સ્કેમ

1 કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે અને ગઠિયો તમને એવું કહીને ગેરમાર્ગે દોરશે કે આ નંબર તમારા કોઈ પરિચિતે આપ્યો છે.

2 બીજા સ્ટેપમાં તમને એવું કહેવાશે કે તમારા આ પરિચિત પણ બીજા છેડે વાત કરી રહ્યા છે માટે તમે કોલ મર્જ કરો.

3 તમે માંડ કશું સમજો ત્યાં સુધીમાં તમારા મોબાઈલ પર વધુ એક કોલ તમારા મોબાઈલ નંબર પર આવી જશે.

4 જેવો તમે કોલ મર્જ કરશો એટલે તમારો કોલ બેન્કના ઓટીપી વેરિફિકેશન કોલ સાથે જોડાઈ જશે.

5 અંતે તમારા કોલ પર આવતો ઓટીપી સાઈબર ગઠિયાને પણ સંભળાશે અને ગઠિયા તેનો ઉપયોગ કરી એકાઉન્ટ ખાલી કરી નાખશે.

આ રીતે બચી શકાય છે

1 અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ કોલ કે મેસેજને ઈગ્નોર કરો.

2 એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન યુઝર ફોનમાં સ્પામ ડિટેક્શન ફીચર ઓન રાખે.

3 જો કોઈ તમને કોલ મર્જ કરવાનું કહે તો પહેલાં, ખાતરી કરો.

4 કોઈ પણ બેન્ક તમારી પાસે ઓટીપી નથી માગતી જો કોઈ વ્યવહાર કર્યા વગર ફોન પર ઓટીપી આવે તોબેન્કનો સંપર્ક કરો.

5 યુપીઆઈ અને બેન્કિંગ સિક્યુરિટી ફીચર્સ હંમેશા ઓન રાખો.

Leave a comment

Trending