નવસારીમાં વડાપ્રધાન મહિલાઓને નતમસ્તક, કહ્યું- ‘તમારા આશીર્વાદથી ત્રીજીવાર PM બન્યો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (તા. 07/03/2025)ના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યા વડાપ્રધાને મહિલા દિવસે 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ, જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમને સન્માનિત કરવામાં આવી હતી. આ બાદ વડાપ્રધાન સુરતથી દિલ્હી જવા રવાના થયા હતા. નોંધનીય છે કે આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસકર્મચારીએ સંભાળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે મહિલા દિવસના અવસર પર ગુજરાતના નવસારી પહોંચ્યા હતા. નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયા સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે, જે સતત વધતા જાય છે. 

વડાપ્રધાને આગળ કહ્યું કે ‘આપણા શાસ્ત્રોમાં નારીને નારાયણી કહેવામાં આવી છે. નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની પ્રથમ સીડી હોય છે, એટલા માટે વિકસિત ભારત બનાવવા માટે, ભારતના ઝડપી વિકાસ માટે આજે ભારત વિમેન લેન્ડ ડેવલોપમેન્ટના માર્ગ પર ચાલી રહ્યું છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું ‘2024 પછી અત્યાર સુધી લગભગ 3 કરોડ મહિલાઓ ઘરની માલિક બની ચૂકી છે. આજે આખી દુનિયામાં જળ જીવન મિશનની પણ ખૂબ ચર્ચા છે. જળ જીવન મિશન દ્વારા આજે દેશના ગામડે ગામડે પાણી પહોંચી રહ્યું છે.’ અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવીને તેમનું સન્માન વધાર્યું. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમે કરોડો મહિલાઓના બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેમને બેકિંગ વ્યવસ્થા સાથે જોડી, ઉજ્જવલા સિલિન્ડર આપીને તેમને ધુમાડાની તકલીફમાંથી મુક્તિ આઅવી. ત્રણ તલાક વિરૂદ્ધ કડક કાયદો બનાવીને અમારી સરકારે લાખો મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ થતું બચાવ્યું. જ્યારે કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગૂ હતી, તો ત્યાંની બહેનો-દિકરીઓ ઘણા અધિકારોથી વંચિત હતી. જો તે રાજ્યની બહાર અન્ય કોઇ સાથે લગ્ન કરી લેતી હતી, તો તે ખાનદાની સંપત્તિ મેળવવાનો તેમનો અધિકાર છિનવાઇ જતો હતો.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘રાજકારણનું મેદાન હોય કે રમતનું મેદાન, ન્યાયપાલિકા હોય કે પછી પોલીસ, દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનો પરચમ લહેરાય રહ્યો છે. 2014 પછી દેશના મહત્વપૂર્ણ પદો પર મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે. 2014 પછી જ કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની. સંસદમાં પણ મહિલાઓની હાજરીમાં વધારો થયો. 18મી લોકસભામાં 74 મહિલા સાંસદ લોકસભાનો હિસ્સો છે. ન્યાયપાલિકામાં મહિલાઓની ભાગીદારી એટલી જ વધી છે.’ 

ઘણા રાજ્યોમાં સિવિલ જજ તરીકે નવી ભરતીમાં પચાસ ટકા અથવા તેનાથી વધુ આપણી દિકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે. આજે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે. તેમાં મહિલા રોકાણની મોટી ભૂમિકા છે. 

સંબોધનના અંતમાં વડાપ્રધાને કહ્યું કે, એક દીકરો જેવા ભાવથી માની સેવા કરે છે એવા જ ભાવથી હું ભારતની માતાઓ-બહેનોની સેવા કરુ છું અને કાયમ માટે કરતો રહીશ.

વડાપ્રધાને કહ્યું કે, સુરત જિલ્લાનું ઉદાહરણ છે ગયા વર્ષે એક દીકરી સાથે બળાત્કાર થયો હતો. જેમાં 15 દિવસમાં પોલીસે કામ પુરુ કર્યું અને હમણાં થોડા અઠવાડિયા પહેલાં જ આરોપીને સજા મળી: મોદી

ભારતીય ન્યાય સંહિતામાં બળાત્કાર જેવા અપરાધમાં 60 દિવસમાં ન્યાયની વ્યવસ્થા કરી છે. અમે ઇ-એફ.આર.આઇની વ્યવસ્થા કરી: મોદી

અમારી સરકારે 24 કલાક મહિલાઓ માટે કામ કર્યું. દેશભરમાં મહિલાઓ માટે ખાસ સેન્ટર શરૂ કર્યા, જેમાં 10 લાખ મહિલાઓને મદદ મળી: મોદી

વડાપ્રધાને કહ્યું કે, આપણે અહીં શાસ્ત્રોમાં નારીને નારાયણી કહ્યું છે: નારીનું સન્માન એ દેશના વિકાસનું પહેલું પગથીયું છે, નારીનું સન્માન નહીં હોય તો દેશનો વિકાસ નહીં હોય.

વડાપ્રધાને કહ્યું કે, હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું, મારી જિંદગીના એકાઉન્ડમાં કરોડ માતા-બહેનો-દિકરીઓના આશીર્વાદ છે, આ આશીર્વાદ સતત વધી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓને તેમની શક્તિ માટે અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર પોસ્ટ કરી અને કહ્યું, “#મહિલાદિવસ પર આપણે નારી શક્તિને સલામ કરીએ છીએ!” અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. આજે, વચન મુજબ, મારી સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ એવી મહિલાઓ દ્વારા કબજે કરવામાં આવશે જે વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહી છે!

Leave a comment

Trending