જપ્ત કરાયેલા બિટકોઈનથી જ રિઝર્વ ઊભુ કરવાની જાહેરાતથી રોકાણકારો નિરાશ

બિટકોઈન રિઝર્વ ઊભુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરતી એક્ઝિકયૂટિવ ઓર્ડર જારી કરાતા ક્રિપ્ટોકરન્સીસ બજારનું માનસ ખરડાયુ હતું અને બિટકોઈનની આગેવાની હેઠળ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા ઓર્ડર પ્રમાણે બિટકોઈન રિઝર્વ એવા બિટકોઈનમાંથી ઊભુ કરાશે જે અમેરિકાની સરકારે જપ્ત કરેલા હોય. અન્ય ડિજિટલ એસેટસનું પણ રિઝર્વ ઊભું કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

ટ્રમ્પની આ જાહેરાત બાદ બિટકોઈન ઘટી નીચામાં ૮૫૫૯૨ ડોલર અને ઉપરમાં ૯૧૭૧૧ ડોલર થઈ મોડી સાંજે ૮૮૧૦૬ ડોલર બોલાતો હતો. એથરમ ઉપરમાં ૨૩૦૫ ડોલર અને નીચામાં ૨૧૧૯ ડોલર થઈ મોડી સાંજે ૨૧૮૦ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટોસ એકસઆરપી, સોલાનામાં પણ નરમાઈ જોવા મળી હતી. 

ગેરપ્રવૃત્તિઓ કરનારાઓ પાસેથી જપ્ત કરાયેલા બિટકોઈનને  રિઝર્વમાં જમા કરાશે, એમ ઓર્ડરમાં જણાવાયું છે. આનો અર્થ અમેરિકન સરકાર હાલમાં નવા બિટકોઈનની ખરીદી નહીં કરે એમ બજારના ખેલાડીઓમાં મત ઊભો થતા બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટો કરન્સીસમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

જો કે શુક્રવારે મળી રહેલી વ્હાઈટ હાઉસ ક્રિપ્ટો સમિત પર હવે રોકાણકારોની નજર રહેલી છે. આ સમિતમાં ટ્રમ્પ શું નિવેદન કરશે તે જોવાનું રહે છે. સમિતને લઈને રોકાણકારો આશાવાદી છે.  

બે દિવસ પૂર્વે જ ટ્રમ્પે બિટકોઈન સહિત અન્ય ચાર ક્રિપ્ટોસને આવરી લેતા રિઝર્વની રચના કરવાની જાહેરાત કરી હતી. જો કે આ રિઝર્વની રચના થયા બાદ તે કેવી રીતે કામ કરશે અને સરકાર તેનો શું ઉપયોગ કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી. 

રિઝર્વમાં જમા કરાનારા બિટકોઈનનું સરકાર વેચાણ નહીં કરે તેવી જો કે સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સીસ ખરીદ કરવા કરદાતાના નાણાંનો ઉપયોગ કરવામાં નહીં આવે તેવી પણ ટ્રમ્પે જાહેરાત કરી છેે. 

બિટકોઈન, એકસઆરપી, સોલાના, કારડાનો અને એથરમને અમેરિકાના ક્રિપ્ટો સ્ટ્રેટેજિક રિઝર્વમાં સમાવી લેવાશે તેવી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સપ્તાહના પ્રારંભમાં આવેલી  જાહેરાત બાદ ક્રિપ્ટો માર્કેટસમાં ક્રિપ્ટો કરન્સીસના ભાવમાં  જોરદાર ઉછાળ આવ્યો હતો, જે સપ્તાહ અંતે ધોવાઈ ગયો છે. 

Leave a comment

Trending