ફેબ્રુઆરીમાં અમેરિકાથી ભારતમાં ક્રૂડ ઓઇલની નિકાસ બે વર્ષની ટોચે પહોંચી ગઈ છે. રશિયા પર અમેરિકાના પ્રતિબંધોને કારણે દેશની રિફાઇનરીઓ વૈકલ્પિક સપ્લાયની શોધમાં અમેરિકા તરફ વળતા ત્યાંથી ક્રૂડનું ઈમ્પોર્ટ વધ્યું છે. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં અમેરિકાએ ભારતમાં લગભગ ૩,૫૭,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી. આ ગત વર્ષના ૨,૨૧,૦૦૦ બેરલ પ્રતિ દિવસ કરતા ઘણી વધારે છે.
અમેરિકાએ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ઈરાની અને રશિયન ક્રૂડ ઓઈલ સંબંધિત જહાજો અને કંપનીઓ પર અનેક તબક્કાના પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે આ દેશોમાંથી મુખ્ય આયાતકારોને ક્રૂડ ઓઇલનો સપ્લાય ખોરવાઈ ગયો છે. ભારત સરકારના મતે નજીકના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ભારતની ઓઈલ ખરીદી ૧૫ અબજ ડોલરથી વધીને ૨૫ અબજ ડોલર થઈ શકે છે.વૈશ્વિક અનિશ્ચિત્તાઓ અને ટ્રેડ વોરને ટાળવા માટે સરકારના દબાણ હેઠળ ભારતીય રિફાઇનરીઓ ક્ડ સપ્લાયમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. રશિયન જહાજો પરના પ્રતિબંધોએ ભારતીય ખરીદારોને અન્ય વિકલ્પો શોધવાની ફરજ પાડી છે.
ડેટા અનુસાર ભારતમાં કુલ યુએસ ક્રૂડ નિકાસનો ૮૦ ટકા હિસ્સો લાઈટ-સ્વીટ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ-મિડલેન્ડ (ડબલ્યુટીઆઈ-મિડલેન્ડ) ક્રૂડનો હતો. ભારતમાંથી ટોચના ખરીદદારોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન શામેલ છે, જ્યારે ટોચના યુએસ નિકાસકારોમાં ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમ, ઇક્વિનોર, એક્સોન મોબિલ, ટ્રેડિંગ ફર્મ ગનવોરનો સમાવેશ થાય છે.
અમેરિકાની અન્ય દેશોને નિકાસ પર નજર કરીએ તો ફેબ્રુઆરીમાં અમેરિકાએ દક્ષિણ કોરિયાને ૬૫૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ તેલની નિકાસ કરી હતી. ચીને અમેરિકન ક્રૂડ ઓઈલ પર ૧૦ ટકા ટેરિફ લાદતા નિકાસની દિશા બદલાઈ ગઈ. અમેરિકાથી ચીનમાં ક્રૂડ ઓઇલની નિકાસ ઘટીને માત્ર ૭૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.






Leave a comment