– બ્રેઇન સ્ટ્રોકમાં દર્દીને સમયસર અને યોગ્ય સારવાર મળે તો જિંદગી બચી શકે
– જી.કે. માં સ્ટ્રોકની પ્રા.સારવાર માટે મેડિ.ડાયરેક્ટર ડો. બાલાજીએ ’કોડ વ્હાઇટ’ જારી કર્યું
અદાણી મેડિકલ કોલેજ દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલ અને કચ્છના તબીબોને બ્રેઇન સ્ટ્રોકના (લકવો કે પક્ષઘાત ) હુમલા વખતે દર્દીને આપવાની થતી સારવાર ઉપર યોજાયેલી કોન્ફરન્સમાં બેંગલુરુ સ્થિત આંતરરાષ્ટ્રીય કક્ષાના સિનિયર સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ ડો. રૂપા શેષાદ્રીએ કહ્યું કે,પળનો પણ વિલંબ કર્યા વિના દર્દીને સારવાર મળી જાય તો દર્દીની જિંદગી બચી શકે છે.
અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં ’સ્ટ્રોક કરંટ એન્ડ એડવાન્સિસ’ વિષય ઉપર આયોજિત કોન્ફ્ર.માં આ ન્યૂરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો.રૂપા શેષાદ્રીએ વધુમાં આ ક્ષેત્રના દરેક નિષ્ણાત ડોક્ટરે પોતાના કાર્યક્ષત્ર સંદર્ભે સર્વગ્રાહી અભિગમ અપનાવી નિદાન – યોગદાન આપવું જોઈએ તેવું જણાવી ઉમેર્યું કે, જેથી દર્દીના સ્ટ્રોકની સંપૂર્ણ સારવાર થઈ શકે. તેમણે સ્ટ્રોકના સારવારની અનેક સાફલ્ય ગાથાના નિદર્શન દ્વારા સ્ટ્રોકના જોખમી પરિબળો,લક્ષણ અને સારવાર સમજાવી હતી.
કોન્ફરન્સમાં ભુજના આ ક્ષેત્રના જાણીતા ડોક્ટર્સ પણ જોડાયા હતા, જેમાં ન્યૂરોસર્જન ડો.તારેક ખત્રીએ સ્ટ્રોકના ઓપરેશનના દૃષ્ટિકોણથી સમગ્ર બાબત સમજાવી હતી. શહેરના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડો.વચન મહેતાએ સ્ટ્રોક અંગે થ્રોમ્બોલીસિસના અભ્યાસ લક્ષી અહેવાલ રજૂ કર્યા હતા, જ્યારે કે.કે.હોસ્પિટલના તબીબ ડો.તેજેન્દ્ર રામાણીએ કચ્છમાં સ્ટ્રોક સારવાર અંગે ઉપલબ્ધ સેવાનો ઉલ્લેખ કર્યો હતો.
કોન્ફરન્સના ચેર પર્સન અને અદાણી મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ અત્રે હોસ્પિટલમાં સ્ટ્રોકના દર્દીને વેળાસર પ્રાથમિક સારવાર મળી રહે એ માટે ’કોડ વ્હાઇટ’ લોન્ચ કર્યો હતો.
આ પ્રસંગે જી.કે.ના ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી, મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન.ઘોષ ઉપસ્થિત રહયા હતા.જ્યારે મેડિસિન વિભાગના ડો.વિનાયક ચૌહાણ અને ડો.દેવિકા ભાટ, ઇમરજન્સી વિભાગના ડો.સંકેત પટેલ અને રેડિયોલોજી તરફથી ડો.ભાવેન શાહે કોર કમિટીના સદસ્ય તરીકે આયોજન સંભાળ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી ઑબ્ઝર્વર તરીકે ડો. બલવંત ખડિયા હાજર રહ્યા હતા.
આ કોન્ફરન્સમાં ભુજના જાણીતા સ્ટ્રોક નિષ્ણાત તબીબો, જી.કે.જન.હોસ્પિટલના ડોક્ટર્સ, રેસિડેન્ટ્સ ડોક્ટર સહિત 90 જેટલા તબીબો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન આસી.મેનેજર ડો.મોનાલી જાનીએ કર્યું હતું, અને કોન્ફરન્સને સમગ્ર વહીવટી ટીમે સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.






Leave a comment