રાજકોટને એઈમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની 89મી બેઠક મળી હતી. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એવા રોડ, રેલવે અને મેટ્રોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિત 8 પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાઈ હતી. રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ 41.11 કિમી વિસ્તાર આવરી લેવામાં આવશે. મેટ્રોને શહેરની સિટી બસ સેવા, લોકલ રેલવે સાથે કનેક્ટ કરવામાં આવશે. આ મેટ્રો પ્રોજેક્ટને પીએમ ગતિશક્તિ યોજનાના નેશનલ માસ્ટર પ્લાન સાથે સાંકળવામાં આવ્યો છે.
રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજિત 38થી 40 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. સંભવત શાપર-વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંઢેરી, એઈમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઈન બિછાવવામાં આવી શકે છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી આંશિક રાહત મળી શકે છે. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુસાફરીનો સમય ઘટી જશે અને ઝડપથી નિર્ધારિત સ્થળે પહોંચી શકાશે. મેટ્રો નેટવર્ક શહેરના મુખ્ય વિસ્તારોને જોડશે જેમાં રહેણાક વિસ્તારો, વ્યાપારી કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થઈ શકે છે. મેટ્રો સિસ્ટમ ઈલેક્ટ્રિક હોય છે અથવા ક્લીનર ઈંધણનો ઉપયોગ કરે છે, જેના કારણે હવા અને ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. મેટ્રો રેલ શરૂ થવાથી લોકોને આર્થિક લાભ પણ થશે. ઓછા ખર્ચમાં એકથી બીજી જગ્યાએ સરળતાથી મુસાફરી કરી શકાશે.
રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાથી દરરોજ આશરે 20થી 25 હજાર લોકોને લાભ થશે. હાલ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો સિટીબસ અને બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટથી રાજકોટની આસપાસનો આશરે 38થી 40 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવનાર હોવાથી ઓછા ખર્ચે દૂર સુધી જવા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. લોકો ટ્રાફિકનો સામનો કર્યા વિના એકથી બીજા સ્થળે સરળતાથી મુસાફરી કરી શકશે.
મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સરવે પણ કરી ગયા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવાશે એવું જાણવા મળ્યું છે.






Leave a comment