નિરમા યુનિવર્સિટીની ટીમ નિરમા AUVએ સિંગાપોરમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. 14થી 17 માર્ચ 2025 દરમિયાન સિંગાપોર પોલીટેકનિક ખાતે યોજાયેલી સિંગાપોર ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ ચેલેન્જ (SAUVC)માં ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 13 દેશોની 45 ટીમોએ ભાગ લીધો હતો. ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 2,000 SGDનું ઇનામ મેળવ્યું છે. સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ટીમોએ તેમની AUVની ક્ષમતાઓ દર્શાવતા વિડિયો રજૂ કર્યા હતા.
શોર્ટલિસ્ટ થયેલી ટીમોએ સિંગાપોરમાં લાઇવ ઇવેન્ટમાં ભાગ લીધો. પ્રથમ ટાસ્કમાં AUVએ પ્રારંભિક ઝોનથી 10 મીટર દૂર પાણીની અંદરના દરવાજામાંથી પસાર થઈ યુ-ટર્ન લેવાનો હતો. સમયના આધારે ટોચની 18 ટીમો ફાઇનલમાં પહોંચી હતી.
ટીમ નિરમા AUVનું વાહન અગસ્ત્ય 5.0 આઠ થ્રસ્ટર્સથી સજ્જ છે. તેમાં ઉચ્ચ રિઝોલ્યુશન કેમેરા અને ઊંડાણ-દબાણ સેન્સર્સ લગાવેલા છે. રોબોટિક ઓપરેટિંગ સિસ્ટમ (ROS) ધરાવતું મિની-કમ્પ્યુટર સ્વયંસંચાલિત નેવિગેશન કરે છે.
ટીમમાં વિવિધ એન્જિનિયરિંગ શાખાઓના 11 વિદ્યાર્થીઓ છે. નિરમા યુનિવર્સિટીના ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન પ્રો. (ડૉ.) રાજેશ એન. પટેલે જણાવ્યું કે આ સિદ્ધિ અંડરવોટર રોબોટિક્સમાં યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.






Leave a comment