અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. શનિવારે(15 માર્ચે) બપોરે 3 વાગ્યે થયેલા આદેશને બુધવારે(19 માર્ચે) સાંજે 7 વાગ્યે 100 કલાક પૂરા થતા જ ‘ગેંગ્સ ઓફ ગુજરાત’ની યાદી સામે આવી ચૂકી છે.
ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવાં પગલાં લેવાની સાથે સાથે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યાં હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાશે. ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતનાં શહેરોમાં એક્શનમાં જોવા મળશે.
આરોપીઓ કે દોષિતોનાં ઘર પર બુલડોઝર ન ચલાવવા બાબતે સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બર, 2024ના દિવસે ચુકાદો આપ્યો. ચુકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ લાઈન કહી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં સરકારની મનમાની પર બુલડોઝર ફરી વળ્યું હતું. અત્યારસુધી ભાજપશાસિત રાજ્યોની સરકાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતી હતી, પણ હવે એવું નહીં કરી શકે.
સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું હતું કે અધિકારીઓ અદાલતની જેમ કામ ન કરી શકે અને વહીવટીતંત્ર જજ ન બની શકે. હવેથી આવી મનમાની ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છતાં ભાજપશાસિત રાજ્યોમાં સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થાય છે અને અમદાવાદની આ ઘટના એનો પુરાવો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાયલા હાઈવે પર ડોળીયા ગામ નજીક આવેલી એક હોટલને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. આ હોટલ સર્વે નંબર 416 વાળી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી. હોટલના માલિક સામે કેમિકલ ચોરીનો આરોપ છે. તોડફોડની કામગીરી દરમિયાન લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો.
શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે અને તેની ગેરકાયદે બાંધકામની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બે બાંધકામ પણ તોડવાની કામગીરી કરવામાં આવી છે.
વડોદરા પોલીસ અને પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. તરસાલી બાયપાસ પાસે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ શંભુના 4 ઝૂંપડા તોડી પડાયા છે. સાથે જ ઘાઘરેટીયા ગામમાં બુટલેગર વિપુલ પંચાલના બે મકાનને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચોરી સહિત ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીના મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાયું છે. આરોપી ગોવિંદસિંઘ સીકલીગરની ગેરકાયદે મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યા છે.






Leave a comment