કચ્છમાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી

કચ્છ જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભુજની મોટી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. 29 દિવસના રોજા બાદ સૈયદખેરશાબાવાએ ઈદ નમાઝ અદા કરાવી હતી. ભુજમાં હમીરસર તળાવ કાંઠે આવેલી મોટી ઈદગાહ પર નમાઝ બાદ વિશેષ દુઆ માંગવામાં આવી હતી. મુસ્લિમ અગ્રણી અલીમોહમદ જત અને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાએ સર્વ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાપરમાં જુમા મસ્જિદથી નિકળીને આંઢવાળા તળાવ પાસેની ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી ઈસ્માઈલભાઈ પણકા, જુમ્મા મસ્જિદના મુતવલી હાજીભાઈ ખાસકેલી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંજારમાં સાહીન બેકરી ગ્રાઉન્ડ ખાતે મસ્જિદે ખિઝરાના ઇમામ મોલાના હાજી શરીફ રાયમાએ ઈદ નમાઝ અને ખુતબો પઢાવ્યો હતો. તેમણે દેશમાં અમન, શાંતિ અને ખુશહાલી માટે ખાસ દુઆ કરી હતી. કાર્યક્રમમાં હાજી મોહંમદભાઈ આગરીયા, અમીરઅલી રાયમા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સલાયા, આડેસર, ફતેહગઢ, નંદાસર અને માણાબા સહિતના ગામોમાં પણ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. સર્વત્ર ભાઈચારા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a comment

Trending