આધુનિક સમયમાં મોબાઈલ,લેપટોપ અને કોમ્પ્યુટરનું ચલણ જેમ જેમ વધ્યું તેમ અમુક રોગનું પ્રમાણ પણ વધતું ચાલ્યું છે.જેમાં ગરદન કે ડોકમાં દુખાવો અર્થાત્ સર્વાઇકલ સ્પોન્ડિલાઈટિસને મુખ્ય ગણાવી શકાય.
એક સંશોધનમાં બહાર આવેલા સર્વે અનુસાર જો ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવામાં નહીં આવેતો એ દિવસો દૂર નહીં હોય કે સરેરાશ ઘરે ઘરે સર્વાઇકલ સ્પોન્ડિલાઈટિસ જોવા મળશે, એમ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ઋષિ સોલંકીએ જણાવ્યું હતું.
ડો.સોલંકીના જણાવ્યા મુજબ તાઇવાનની એક હોસ્પિટલે મોબાઈલ ફોનને લાંબા સમય સુધી નીચે જોઇ ગરદન અને સ્પાઇનમાં થતો દુખાવો જેને “text neck syndrome” પણ કહે છે, એ વિષય ઉપર સંશોધન પત્ર તૈયાર કરી, કેટલાક તારણો તપાસ્યા અને સૌથી ગંભીર બાબત તો એ જોવા મળી કે, બાળકોને અને યુવાનોને મોબાઈલની એવી લત લાગી છે કે,કલાકો સુધી નીચું જોઈને મોબાઈલમાં વ્યસ્ત રહે છે.હવે તો કોલેજ અને શાળામાં પણ છેલ્લા ૫ વર્ષથી ઓન લાઇન અભ્યાસને કારણે યુવાનો ઝડપથી શિકાર બની રહ્યા છે.
એક સમયે આ રોગ માત્ર મહિલાઓમાં જોવા મળતો પણ હવે દરેકને તે ઝપટમાં લે છે.મોબાઈલ ઉપરાંત સૂવાની ખામી ભરેલી પધ્ધતિ,ઊંચા અને સખત તકિયાનો ઉપયોગ,સતત વાંચન અને લેખન, ટેન્શન, ડિપ્રેશન, ક્રોધ, અનિદ્રા, ઉમર પ્રમાણે ઘસારો મુખ્ય છે.
આ રોગમાં સ્પાઇન મણકાના અસ્થિઓની ધાર પરસ્પર કંટક બનવાથી નજીકની માંસપેશીઓમાં સોજા આવે છે,પરિણામે આસપાસની નસ દબાવાથી પીડા થાય છે.આ ઉપરાંત ખભા સુધી દુખાવો,ચક્કર આવવા,હાથમાં અને કાંડામાં સુનપન તથા ઝણઝણાટી અને દુખાવો થાય છે.ઊંઘમાં ખલેલ,ચપળતા અને ગતિશીલતામાં અવરોધ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં સ્પાઇન સર્જન પાસેથી માર્ગદર્શન જરૂરી બને છે.
જોકે ઘણીવાર ગરદનમાં ઘા વાગવાથી,કોઈ દુર્ઘટનામાં મણકા ખસી જવાથી તેમજ સ્પાઇનમાં ટી.બી. ના ચેપથી પણ દુખાવો થઈ શકે.આવા અનેક માનસિક ને શારીરિક લક્ષણો જોવા મળે છે.જી.કે. માં રોજ ૧૦ થી ૧૫ જેટલા આવા દર્દી સારવાર માટે આવે છે.
મોબાઈલને આંખની સમાંતર રાખી જોવું :
આધુનિક મેડિકલ જગત પાસે આ રોગની અસરની માત્રા પ્રમાણે ઉપાયો છે.ગંભીર સંજોગોમાં ઓપરેશન થી લઈને ફિઝિયો થેરાપી અને દર્દમાં રાહત માટે દર્દ નાશક દવા ગણાવી શકાય.જીવનશૈલીમાં પણ પરિવર્તન જરૂરી છે.સ્ક્રીન સમયની મર્યાદા જાળવવી,મોડીરાત સુધી મોબાઈલ જોવાનું બંધ કરવું, મોબાઈલને આંખની સમાંતર રાખી જોવું,ઊઠવા બેસવાની પધ્ધતિમાં ફેરફાર કરવો, પૂરતી ઊંઘ વિગેરે જરૂરી બને છે.એમ તબીબે જણાવ્યું હતું.






Leave a comment