વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૧૧મી એપ્રિલના રોજ પાર્કિન્સન્સ અર્થાત્ શારીરિક કંપન રોગ દિવસ નિમિતે લોકોને આ રોગની શરીર ઉપર પડતી અસર અને તેના ઉપાયો માટે જાગૃત કરવામાં આવે છે.આજે પણ એવી લખો વ્યક્તિઓ છે, જેમને આ રોગ વિશે ખાસ જાણકારી ન હોતાં જાગૃતિ ફેલાવવા ખાસ આયોજન કરાય છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભાટના જણાવ્યા મુજબ આ બીમારી મગજ સાથે જોડાયેલી છે.આ રોગ ધીમે ધીમે ગંભીર રૂપ ધારણ કરી લે છે. શરીરમાં કંપન વધી જાય છે અને વ્યક્તિને હાલવા – ચાલવા તેમજ બોલવા સુધ્ધાં મુશ્કેલી પડે છે.સામાન્ય રીતે ૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિમાં આ કંપન જોવા મળે છે.
પાર્કિન્સન્સ રોગના લક્ષણો અંગે મેડિસિન વિભાગના તબીબો ડો. યેશા ચૌહાણ અને ડો.જયંતી સથવારાએ કહ્યું કે,પાર્કિન્સન્સને કારણે હાથ અને પગમાં ધ્રુજારી આવે છે. માંસપેશીઓ જકડાઈ જાય છે.સંતુલન એટલું બગડી જાય છે કે,દર્દી પડી પણ જાય છે.ગતિવિધિ ધીમી પડી જાય,કોઈપણ ચીજવસ્તુ ચાવવા અને ગળવામાં મુશ્કેલી ઉપરાંત ત્વચા અને મુત્ર સબંધી સમસ્યા ઉભી થાય છે.યાદ શક્તિ કમજોર બને છે.વ્યક્તિની ભાવનાત્મક પરિસ્થિતિ બદલી જાય છે, જેથી ડિપ્રેશનના ભોગ પણ બની શકાય છે.એમ મેડિસિન વિભાગના પ્રો.ડો.કશ્યપ બુચ અને ડો.મોહિનીએ કહ્યું હતું.
આ રોગની શરૂઆત શરીરના એક બાજુ અથવા તો એક અંગથી શરૂ થાય અને ધીરે ધીરે આખા શરીરને અસર કરે છે.શરૂઆતમાં ઊંઘ,કબજિયાત,સૂંઘવાની ક્ષમતા ઘટે છે.પગને પણ અસર કરે છે.આવી પરિસ્થિતિ જણાય તો તુરંત તબીબનો સંપર્ક કરવો આવશ્યક છે.જી.કે.જનરલ હોસ્પિટલમાં ઓપીડીમાં મેડિસિન વિભાગ હેઠળ સારવાર હાથ ધરાય છે.
પાર્કિન્સન્સના નિદાન અને ઉપચાર
પાર્કિન્સન્સના નિદાન,ઉપચાર અંગે તબીબોના જણાવ્યા અનુસાર,આ રોગ માટે કોઈ ખાસ ટેસ્ટ નથી પણ ડોક્ટર દર્દીના શારીરિક લક્ષણ અને માનસિક અવસ્થા,એમ.આર.આઈ. જેવા ન્યુરોલોજિકલ પરીક્ષણ તથા મેડિકલ ઇતિહાસ પરથી નિદાન કરે છે.ઉપચારમાં મેડિસિન સાથે કેટલીક થેરાપી ઉપયોગી થઈ શકે છે. જેમ કે બોલવા-ચાલવાની થેરાપી, માંસપેશીઓ મજબૂત અને સ્થિતિ સ્થાપક બનાવવાની કસરત, પોષણયુક્ત આહાર, તણાવ ઓછો કરવા થેરાપી વિગેરેનો સમાવેશ કરી શકાય છે.






Leave a comment