રાજકોટના રામકૃષ્ણ આશ્રમે યુવા શિબિરમાં 400 યુવાન જોડાયા

રાજકોટના રામકૃષ્ણ આશ્રમ ખાતે 13 એપ્રિલને રવિવારના રોજ આશ્રમ પરિસરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં જણાવ્યું કે, “દેશના સ્વાતંત્ર સેનાનીઓના પ્રેરણા સ્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો જ હતા. આથી યુવાનો સ્વામીજીના પુસ્તકો વાંચે અને પોતાનું જીવન પરિપૂર્ણ બનાવે.” તેમણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં આધ્યાત્મિકતાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ઉત્પલ જોષીએ યુવાનોને વ્યક્તિગત ચરિત્ર-નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણની સંકલ્પના સમજાવી તથા સખત પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો.

લોકપ્રિય સાહિત્યકાર, ગુજરાત સરકારના સેવા નિવૃત્ત આઈ.એ.એસ. ઑફિસર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જ્હાએ માતૃભાષા અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ રહીને જીવનમાં ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવા પ્રેરણા આપી. તેમણે ‘યુવાન’ શબ્દની વ્યાખ્યા આપી અને રમુજી પ્રસંગો દ્વારા સફળતાની ચાવી યુવાનોને સમજાવી. ઉપરોક્ત વક્તાઓ દ્વારા યુવાનોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત સંમેલનમાં ‘શાંતિ પ્રાપ્તિના સરળ ઉપાયો’, ‘શિક્ષક તો છે રાષ્ટ્રનિર્માતા’, ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ અને ‘પ્રાર્થના’ એમ ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, જે ટૂંક સમયમાં આશ્રમના વિવેકાનંદ બુક વર્લ્ડમાં ઉપલબ્ધ થશે. શિબિરમાં 400 યુવાન જોડાયા હતા.

Leave a comment

Trending