હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં ED(ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ રોબર્ટ વાડ્રાને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. આ પહેલાં તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ, તે ED સામે હાજર થયા ન હતા. વાડ્રાને આજે ફરી ED સામે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. EDએ મની લોન્ડરિંગની આશંકામાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, તેમની કંપની સ્કાયલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ગુરુગ્રામમાં 3.53 એકર જમીન 7.50 કરોડની કિંમત પર કોલોની ડેવલપ કરવાના નામે પર આપવામાં આવી હતી, જે તેમણે બારોબાર વેચી દીધી હતી.
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકર જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતાં વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટેલિટી પ્રાયવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન ઍન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાયસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી ન હતી.






Leave a comment