સૌરાષ્ટ્ર યુનિ.માં બેથી ત્રણ મહિનામાં બોક્સ ક્રિકેટ શરૂ થશે

દેશમાં જે રીતે ક્રિકેટમાં ટેસ્ટ અને વન ડેની સાપેક્ષમાં T-20 ક્રિકેટનો ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે. તેમાં પણ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ દર વર્ષે રમાઇ રહી છે, જેને લઈને લોકોમાં ક્રિકેટ ફીવર ખૂબ જ વધ્યું છે. આ વચ્ચે રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષથી બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ બોક્સ ક્રિકેટ શરૂ કરવા માટે તૈયારી બતાવવામાં આવી છે. આ માટેની રૂપિયા 10 લાખની ગ્રાન્ટ પણ મંજુર થઈ ચૂકી છે. આગામી બે માસમાં યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બોક્સ ક્રિકેટ તૈયાર થઈ જશે અને તે રાત્રિના સમયે ભાડે આપવામાં આવશે. જેમાં કલાક દિઠ ભાડું વસૂલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબાએ જણાવ્યું હતુ કે, હાલમાં જે રીતે ઇન્ડિયામાં રેગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગની પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતા લોકોમાં ક્રિકેટ રમવા માટેનું ઉત્સાહ ખૂબ જ વધ્યો છે. રાજકોટમાં તો છેલ્લા એક વર્ષમાં બોક્સ ક્રિકેટમાં ક્રેઝ ખૂબ જ વધારે જોવા મળે છે. જેમાં મોટા ભાગે લોકો નાઈટ ક્રિકેટ રમતા હોય છે, જે સાંજના સમયે રાખવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેલાડીઓ અને લોકોને બોક્સ ક્રિકેટનો લાભ મળે તે માટે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કૉલેજના વિદ્યાર્થીઓ બોક્સ ક્રિકેટમાં પ્રેક્ટિસ કરવા માટે આવી શકે તે માટે આયોજન કરી રહ્યા છીએ. જે માટે રૂપિયા 10 લાખની ફાળવણી પણ કરવામાં આવેલી છે. નજીકના સમયમાં જ બોક્સ ક્રિકેટ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ.

કોઈપણ મેદાનને મેન્ટેનન્સ કરવા માટે આર્થિક ઉપાર્જન ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ બધા જ ખેલ-કૂદના મેદાન અને બોક્સ ક્રિકેટ એટલા માટે બનાવીએ છીએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને તેમાં પ્રેક્ટિસ કરવા મળે. આ રીતે આર્થિક ઉપાર્જન પણ થાય અને તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ પોઝિટિવ છે.

જ્યારે ફીની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અન્ય જગ્યાએ બોક્સ ક્રિકેટ ચાલે છે, ત્યાં જેટલી ફી હશે તેના કરતાં 100થી 200 રૂપિયા ઓછી ફી રાખશું. નોમિનલ ચાર્જ નહીં રાખીએ, પરંતુ મેન્ટેનન્સ સારી રીતે થાય, મેન્ટેનન્સ ખર્ચ નીકળે અને તમામ લોકોને પોષાય તે પ્રકારની ફી રાખવામાં આવશે. અંદાજે આગામી બેથી ત્રણ મહિનામાં બોક્સ ક્રિકેટ તૈયાર થઈ જશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકીનુ મેદાન અને સ્વિમિંગ પૂલ બંને ઇન્ટરનેશનલ કક્ષાના છે, પરંતુ તેમાંથી હોકીનું મેદાન એવું છે કે જે નિર્માણ પામ્યાને એટલે કે વર્ષ 2017થી અત્યાર સુધી રેગ્યુલર ઉપયોગમાં આવતું નથી. માત્ર ટુર્નામેન્ટ વખતે આ મેદાનનો ઉપયોગ થાય છે. કારણ કે, હોકીના કોચ નથી. જ્યારે હવે સ્વિમિંગ પૂલના પણ કોચ નથી. આ ઉપરાંત ક્રિકેટ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથલેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જૂડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ આ 14 એવી રમતો છે, જે કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી અને તેથી મેદાનો વેરાન બનતા જાય છે.

છેલ્લાં 20 વર્ષમાં 5 કાયમી કુલપતિ અને 2 કાર્યકારી કુલપતિએ સત્તા ભોગવી, પરંતુ ખેલકૂદના કોચ નિમવામાં રસ ન દાખવ્યો. આ વચ્ચે અગાઉ જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તિરંદાજી માટે ગ્રાઉન્ડ ભાડે આપવામા આવ્યું તે રીતે હવે બોક્સ ક્રિકેટ શરૂ કરી તે પણ ભાડે અપાશે. જોકે, આ બોક્સ ક્રિકેટ શરૂ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને કેટલો ફાયદો થશે? અને યુનિવર્સિટીમાં વેરાન બનેલા ખેલકૂદના મેદાનો માટે બોક્સ ક્રિકેટ કમાણીનું બેકબોન સાબિત થાય છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a comment

Trending