ભારત શસ્ત્રોના વેચાણમાં વિશ્વ સાથે સ્પર્ધા કરવા તૈયાર

ભારત શસ્ત્રો ખરીદતા દેશોને સસ્તા અને લાંબા ગાળાની લોન આપી રહ્યું છે. લક્ષ્ય એવા દેશો છે, જે અત્યારસુધી રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા હોવાથી આ દેશો હવે નવા વિકલ્પો શોધી રહ્યા છે. ભારત આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે.

યુક્રેન પછી ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર દેશ છે, જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર શસ્ત્રોની નિકાસ પર પણ ભાર મૂકી રહી છે. આ માટે ભારત નિકાસ-આયાત બેંક (EXIM બેંક) દ્વારા શસ્ત્રો ખરીદવા માટે લોન આપી રહ્યું છે.

રોઇટર્સે બે સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરકાર EXIM બેંકની મદદથી શસ્ત્રો ખરીદતા દેશોને ઓછા વ્યાજદરે લાંબા ગાળાની લોન આપવાની યોજના પર કામ કરી રહી છે. આનાથી એવા દેશોને ફાયદો થશે, જે રાજકીય અસ્થિરતા અથવા ઓછી ક્રેડિટ રેટિંગને કારણે મોંઘી લોન પરવડતી નથી.

આ માટે ભારતે બ્રાઝિલ અને આર્જેન્ટીના સહિત 20 દેશમાં પોતાના રાજદ્વારીઓ મોકલ્યા છે.

ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. છેલ્લાં 3 વર્ષ દરમિયાન અમેરિકા અને રશિયા બંનેએ આ યુદ્ધમાં પોતાનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. આવી સ્થિતિમાં આ બે દેશો પર નિર્ભર આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના દેશો પાસે શસ્ત્રો પુરવઠા માટે વિકલ્પો ખતમ થઈ ગયા છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતે તકને ઓળખી અને એ દેશો સાથે સંપર્કો વધાર્યા. ખાસ વાત એ છે કે ભારત પશ્ચિમી અને રશિયન બંને પ્રકારનાં શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતને બંને પ્રકારની શસ્ત્ર ટેક્નોલોજીનો અનુભવ છે. આવી સ્થિતિમાં ભારત આ દેશોની સંરક્ષણ જરૂરિયાતોને સમજી શકે છે.

સંરક્ષણ વિશ્લેષકો માને છે કે આ વ્યૂહરચના ભારતને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય શસ્ત્ર સપ્લાયર બનાવશે. એટલું જ નહીં, તેને વ્યૂહાત્મક રીતે પણ મજબૂત બનાવશે. આગામી વર્ષોમાં ભારત એવા દેશો સાથે તેના સંબંધો વધુ ગાઢ બનાવી શકે છે, જેમને અત્યારસુધી રશિયા તરફથી ફક્ત લશ્કરી સહાય મળતી હતી.

એક ભારતીય અધિકારીએ જણાવ્યું હતું કે 2022માં રશિયાના યુક્રેન પર હુમલા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પશ્ચિમી દેશોએ યુક્રેનમાં પોતાનાં શસ્ત્રો મોકલ્યાં હતાં અને રશિયાએ પોતાનાં શસ્ત્રો ફક્ત પોતાના માટે બનાવ્યાં હતાં. આનાથી તે દેશો માટે સમસ્યાઓ ઊભી થઈ, જે રશિયા અને અમેરિકા પર નિર્ભર હતા.

આવી સ્થિતિમાં જે દેશો બંને પાસેથી શસ્ત્રો ખરીદતા રહ્યા તેમણે ભારતનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. યુક્રેનમાં કેટલાક ભારતીય તોપખાનાના ગોળા પણ જોવા મળ્યા હતા. ભારત હવે વિદેશી રાજદ્વારીઓ અને તેની શસ્ત્ર કંપનીઓ વચ્ચે બેઠકોનું આયોજન કરી રહ્યું છે અને લશ્કરી કવાયતોમાં હેલિકોપ્ટર જેવાં અદ્યતન શસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યું છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના 2025ના અહેવાલ મુજબ, રશિયાની શસ્ત્ર નિકાસમાં 2015-19ની તુલનામાં 2020-24 દરમિયાન 64% ઘટાડો થવાની ધારણા છે. વૈશ્વિક શસ્ત્રબજારમાં રશિયાનો હિસ્સો 20%થી ઘટીને 7.8% થયો છે.

આ ઘટાડો 2022માં યુક્રેન પરના હુમલા પહેલાં જ શરૂ થઈ ગયો હતો. એનું મુખ્ય કારણ ચીન અને ભારત તરફથી ઓછા ઓર્ડર મળવાનું હતું. બીજી તરફ અમેરિકાએ વૈશ્વિક શસ્ત્ર નિકાસમાં પોતાનો હિસ્સો વધારીને 43% કર્યો છે. ચીન અને ફ્રાન્સ જેવા દેશો પણ રશિયાને પાછળ છોડી રહ્યા છે.

ભારત, જે રશિયાનો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર હતો તેણે 2010-14માં તેની પાસેથી 72% શસ્ત્રો ખરીદ્યાં હતાં, જે 2020-24માં ઘટીને 36% થઈ ગયાં, જોકે ભારત હજુ પણ તેના મોટા ભાગનાં શસ્ત્રો રશિયા પાસેથી ખરીદે છે.

Leave a comment

Trending