ટેરિફવૉરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ આજે એટલે કે સોમવારે ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. વેન્સ તેમના ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે પાલમ ઍરપોર્ટ પર પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળશે. આ દરમિયાન, વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા અને એકંદર દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘યુએસ ઉપરાષ્ટ્રપતિ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમેર કિલ્લોનો પણ સમાવેશ થાય છે. 23 એપ્રિલની સવારે, વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે, વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે.’

Leave a comment

Trending