ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે, ભારત પાસે ચાર જેટલા યુદ્ધ જહાજો છે, જે પૈકી INS સુરત જહાજ તમામ ટેક્નોલોજીથી સજ્જ છે. સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે. આમ જનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તા.1 અને 2 મે દરમિયાન અદાણી હજીરા પોર્ટ પર માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળશે.
યુદ્ધ જહાજ ‘INS સુરત’નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે. જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે.
INS સુરત એન્ટી-સરફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે. તે નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને સમાવી શકે છે. તે 16 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ (સર્ફેસ ટુ સર્ફેસ), 32 બરાક-8/MRSAM (સર્ફેસ ટુ એર)માં માર કરતી મિસાઇલ્સ, 76 એમએમ SRGM ગન, ચાર AK-630M નજીકના હથિયાર સિસ્ટમ, બે L&T ટ્વીન ટોર્પિડો લોન્ચર્સ અને બે L&T રોકેટ લોન્ચર્સ (એન્ટી-સબમરીન યુદ્ધ માટે) ચલાવવા માટે સક્ષમ છે.
ખાસ કરીને તે અદ્યતન MF-STAR રડાર અને નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ છે. ઉપરાંત, ચેતક, ALH, સી કિંગ અને MH-60R જેવા હેલિકોપ્ટરોનું દિવસ-રાત સંચાલન કરી શકે છે, જેમાં રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
ગત 15 જાન્યુઆરી 2025એ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે INS નિલગિરિ અને INS વાઘશીર સાથે INS સુરત યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. તા.24 એપ્રિલ, 2025એ INS સુરતે અરબી સમુદ્રમાં MRSAM (મિડિયમ રેન્જ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ)નું સફળ પરીક્ષણ કર્યું હતું, જેમાં સમુદ્રની સપાટીથી નજીકથી આવતા લક્ષ્યને ચોકસાઈથી નષ્ટ કરવામાં આવ્યું હતું.
INS સુરતનું નામ ગુજરાતના ડાયમંડ સિટી સુરત પરથી રાખવામાં આવ્યું છે, જે પોતાના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે જાણીતું છે. 1836માં બનેલું ભારતનું પ્રથમ લાઇટહાઉસ ક્રેસ્ટ હજીરા લાઇટહાઉસ અને એશિયાટિક સિંહએ INS સુરતની શક્તિ, દીર્ઘાયુષ્ય અને દરિયાઈ રક્ષણનું પ્રતીક છે. નવેમ્બર 2023માં CM ભૂપેન્દ્ર પટેલે સુરતમાં આ જહાજના ક્રેસ્ટનું અનાવરણ કર્યું હતું.






Leave a comment