ગુજરાતનાં 19 શહેરમાં બુધવારે બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઊઠશે

પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે (7 મે)ના રોજ ગુજરાતનાં 19 શહેરની સાથે દેશનાં 244 શહેરમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોકડ્રિલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટને તેના ઇમ્પોર્ટન્સ અથવા સેન્સેટિવિટીના આધાર પર 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. કેટેગરી 1માં તે ડિસ્ટ્રિક્ટ છે, જે સૌથી સેન્સેટિવ છે. ગુજરાતમાં આવાં ડિસ્ટ્રિક્ટની સંખ્યા 3 છે. જ્યારે કેટેગરીમાં 2માં 10 અને કેટેગરી 3માં 6 ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે.

સરકારના જણાવ્યા અનુસાર, મોકડ્રીલ દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. હવાઈ ​​હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ. હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ, ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા, મહત્ત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ, વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી અને એનો અભ્યાસ કરવો. આ મોકડ્રિલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે.

દેશમાં છેલ્લી વખત આવી મોકડ્રિલ 1971માં યોજાઈ હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. આ મોકડ્રિલ યુદ્ધ દરમિયાન થઈ હતી. 1971 બાદ પ્રથમવાર આખા દેશમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. આ પ્રકારની મોકડ્રિલ 1962 ચીન યુદ્ધ અને 1965 પાકિસ્તાન યુદ્ધ સમયે પણ યોજવામાં આવી હતી.

ગુજરાતમાં આવતીકાલે( 7 મે)ના રોજ યોજાનારી મોકડ્રિલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a comment

Trending