રાજકોટ NEET કૌભાંડ કેસમાં નવો ખુલાસો થવા પામ્યો છે. જેમાં પકડાયેલ આરોપી વિપુલ તેરૈયા રાજકોટ શહેરમાં AAPમાં મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય આરોપી રાજેશ પેથાણી ધોરાજીમાં આવેલ રોયલ સાયન્સ સ્કૂલનો સંચાલક છે. તથા છેલ્લા 30 વર્ષથી કેમેસ્ટ્રી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી 10,000 વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે અને તે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી રાજકોટમાં રોયલ એકેડેમી નામથી સ્પેશિયલ રી-નીટ માટે એકેડેમી ચલાવી રહ્યો છે.
પકડાયેલ બન્ને આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે ફરિયાદી ઉપરાંત અન્ય કોઈ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તેમજ સરકારી કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરાર 3 આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં રહેતા અને મજૂરીકામ કરતા તુષાર વેકરીયાએ પોતાના દીકરાને તબીબ બનાવવા માટે ગત વર્ષે NEET પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવા માટે રાજેશ પેથાણીને 30 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરી પ્રથમ 60 લાખની માંગણી કરી હતી પરંતુ બાદમાં 30 લાખમાં સેટિંગ થયું હતું. આ પછી પણ તેમના દીકરાને માત્ર 460 માર્ક્સ જ આવતા તેઓ છેતરાઈ ગયા હોવાનું માલુમ થતા રાજેશ પેથાણી પાસે રૂપિયા પરત માંગતા તેઓએ ધવલ સંઘવીને આપ્યા હોવાનું તેમજ ધવલ સંઘવીએ વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયાને અને તેમને કર્ણાટકના મનજીત જૈનને આપ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી બધા એક બીજા સાથે મીલીભગત કરી રૂપિયા પરત ન આપતા આખરે સોમવારે (05.05.2025) રાત્રે ફરિયાદ નોંધાવી હતી.
હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ પાંચ આરોપી સામે આઇપીસી 420, 120(બી) મુજબ ગુનો નોંધી વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણી નામના બે આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલ બન્ને આરોપીઓને પકડી ક્રાઇમ બ્રાન્ચે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તજવીજ હાથ ધરી છે. જેમાં રાજેશ પેથાણીએ ફરિયાદી પાસેથી રૂપિયા 60 લાખની માંગણી કરી હતી જેની સામે 30 લાખ રૂપિયાથી સેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એપ્રિલ 2024માં પ્રથમ 10 લાખ અને બાદમાં 20 લાખ આપવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે વિપુલ તેરૈયા અને કર્ણાટકના મનજીત જૈનનું નામ ખુલવા પામ્યું છે જે પૈકી વિપુલ તેરૈયાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
રાજેશ પેથાણી રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે રોયલ સાયન્સ સ્કૂલ ચલાવતા હોવાનું અને તેના સંચાલક હોવાનું સામે આવ્યું છે જે પોતે છેલ્લા લગભગ 30 વર્ષથી કેમેસ્ટ્રી વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત છે અને લગભગ 10,000 વિદ્યાર્થીઓને તેઓએ શિક્ષણ પૂરું પાડ્યું છે. તેમને છેલ્લા લગભગ ત્રણ કે ચાર વર્ષથી રાજકોટમાં રોયલ એકેડેમી શરૂ કરી છે જેમાં વિદ્યાર્થીઓને સ્પેશિયલ રી-નીટ માટે તૈયારી કરાવવામાં આવી રહી છે. અને આ એકેડેમી ખાતે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીની સાથે રાજેશ પેથાણીનો સંપર્ક થયો હતો અને તેમને જ વધુ માર્ક્સ અપાવવા લાલચ આપી હતી.
જેતપુરમાં રહેતા ફરિયાદી તુષારભાઇ અરવીંદભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે હું મજુરીકામ કરું છું. મારો દીકરો કાલાવડ રોડ પર આવેલ ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2024માં મારો દીકરો રોયલ એકેડમી કાલાવડ રોડ, રાજકોટમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને મારે તેને એમ.બી.બી.એસ, હોમ્યોપેથી, આયુર્વેદિકની મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હતા જે બાબતે મે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરી હતી અને તેઓએ મને વાત કરી હતી કે એવા એક ભાઈને હુ ઓળખુ છુ, કે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનુ કામ કરી આપે છે.






Leave a comment