સુરત જિલ્લામાં એક સપ્તાહ પહેલા આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. કીમ નજીક આવેલા વડોલી ગામના ખેતરોમાં ડાંગરનો ઊભો પાક વરસાદી પાણીમાં પલળી ગયો છે.
વાવાઝોડા અને વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. પાકની ગુણવત્તા ઘટી ગઈ છે અને જમીન ભેજવાળી થઈ ગઈ છે. ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળવાની ચિંતા સતાવી રહી છે.
હાલમાં ખેડૂતો ટ્રેક્ટરની મદદથી ડૂબી ગયેલા ડાંગરને બહાર કાઢી રહ્યા છે. તેઓ સ્ટેટ હાઈવે અને સર્વિસ રોડ પર તાડપત્રી બિછાવીને પાક સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોલી સહિત આસપાસના ગામોના ખેડૂતોએ જણાવ્યું કે રાજ્ય સરકાર સર્વે કરાવીને નુકસાનીનું વળતર આપે તો ઓછામાં ઓછો પાકનો નિભાવ ખર્ચ નીકળી શકે તેમ છે.
કમોસમી વરસાદે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે અને તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. વાવાઝોડા અને કમોસમી વરસાદ થી થયેલા નુક્શાન અંગે ખેડૂતોની આપવીતી. વડોલીનાં ખેડૂતે 25 વિંઘામાં તૈયાર કરેલા ડાંગરનાં પાકને માવઠાથી 15 વિઘાનો પાક સંપૂર્ણ રીતે ખરાબ થઇ જમીનદોસ્ત થયો હતો. દર વર્ષે આવતા કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોની હાલત કફોડી બનતી હોય છે.
ત્યારે ફરીથી આ વર્ષે પણ ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી નાંખી હોવાનું જાણવા મળ્યુ હતું. વાવાઝોડાનાં વંટોળ અને કમોસમી વરસાદનાં કારણે જમીન ભેજ વાળી થતા ખેડૂતો રસ્તા ઉપર પાક સુકવવા માટે લાચાર બન્યા હતા. તેમજ કુદરત નારાજ હોય તો સરકારને પણ શું ફરીયાદ કરવી જેવુ વડોલી ગામનાં ખેડૂત તુષારભાઇ લાડ દ્વારા જાણવા મળ્યું હતું.






Leave a comment