તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ કર્મચારી-અધિકારીઓની રજા કેન્સલ કરી હતી, જેમાં બોર્ડ-નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા, જોકે 10 મેના રોજ બન્ને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે, જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.

આ પહેલાં 12 મેના રોજ ગુજરાતનાં બંધ કરાયેલાં 8 એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ)પોરબંદર એરપોર્ટનો સમાવેશ થાય છે તેમજ રાતના 7 વાગ્યા પછી ભક્તો માટે બંધ કરાયેલું જગત મંદિર દ્વારકા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે.

ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારી 15 વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવાં સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યા હતા.

ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન 14 વ્યક્તિએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે એવાં લખાણો પોસ્ટ કર્યાં હોવાનું ધ્યાને આવતાં તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે.

જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2 FIR ઉપરાંત જામનગર, જૂનાગઢ, વાપી, બોટાદ, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 15 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a comment

Trending