કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી વહેતું થયું છે. છેલ્લા દોઢ મહિનાથી રિપેરિંગ માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થયું છે.
બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મુજબ, સલીમગઢથી સવારના 10-11 વાગ્યે નર્મદાનાં નીર વહેતાં થયાં છે.
કેનાલમાં પાણી છોડાયા બાદ ત્રણ-ચાર દિવસમાં પાણી પહોંચશે અને એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રવાહ શરૂ થશે. રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા માત્ર નર્મદા કેનાલ પર આધારિત છે. મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેની સૂઝબૂઝથી આ વખતે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની નથી.
હાલમાં રાપર શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણી અને ખેડૂતો માટે આવશ્યક નર્મદાનાં નીર કેનાલમાં વહેતાં થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ માહિતી નર્મદા નિગમના નિવૃત્ત કર્મચારી છગનભાઈ પરાવડાએ આપી હતી.






Leave a comment