જીકે જન. હોસ્પિ. દ્વારા આયોજિત “ડાયાલિસિસ થી સ્ક્રોટમ સુધી”  સેમિનારમાં તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન

કિડનીની બીમારી ગંભીર બને ત્યાં સુધી અણસાર પણ નથી આપતી માટે સજાગતા જ ઉપાય

અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે.જનરલ  હોસ્પિટલ અને  મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ નડિયાદના સંયુક્ત ઉપક્રમે ગેઈમ્સ સહિત જિલ્લાના કીડનીરોગ અને ડાયાલિસિસના તબીબોને  આ ક્ષેત્રે અધ્યતન જાણકારી ઉપલબ્ધ થાય એ હેતુસર સતત ચિકિત્સા શિક્ષણ (સીએમઈ) શ્રેણીના ઉપલક્ષમાં “ડાયાલિસિસ થી સ્ક્રોટમ સુધી”વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા આ સાતત્ય ચિકિત્સા શિક્ષણ કાર્યક્રમને ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ અને કોલેજના ડીન ડો. એ.એન.ઘોષ તેમજ ઉપસ્થિત મુખ્ય નિષ્ણાત વક્તા  તબીબોએ દીપ પ્રગટાવીને ખુલ્લો મૂક્યો હતો.આ પ્રસંગે નિષ્ણાતોએ  કિડની રોગને છુપો રોગ ગણાવ્યો હતો, જે કિડનીને ગંભીર નુકસાન કરી જાય ત્યાં સુધી અણસાર પણ આવવા દેતો નથી,માટે જાગૃતિ જ ઉપાય છે અને વખતો વખત પરીક્ષણ કરાવતા રહી  સજાગતા કેળવી અને સ્વસ્થ જીવનશૈલી  અપનાવાય તો આ રોગની અનેક સમસ્યાથી બચી શકાય.

મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ નડિયાદના   યુરોલોજિસ્ટ તેમજ એન્ડ્રોલોજિસ્ટ ડો.રોહન બત્રાએ વર્તમાન યુગમાં આ રોગના મેનેજમેન્ટ,નેફ્રોલોજિસ્ટ ડો.હાર્દિક પટેલે ટ્રાન્સપ્લાન્ટ અંગે,ભુજના નેફ્રોલોજિસ્ટ ડો.હર્ષલ વોરાએ ડાયાલિસિસના ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્ય ઉપર પ્રકાશ પાડ્યો હતો તેમજ યુરોલોજિસ્ટ ડો.નૌશાદ ખત્રીએ એક્યુટ સ્ક્રોટમ ઉપરના તમામ પાસા આવરી લઈ માર્ગદર્શન આપ્યું હતું. ભુજના જ યુરોલોજિસ્ટ ડો.પાર્થરાજસિંહ જાડેજાએ યુરોલોજિકલ અભ્યાસ અંગે જાણકારી આપી હતી.  ગુજરાત  મેડિકલ કાઉન્સિલના ઓબ્ઝર્વર તરીકે ડો.બળવંત ખડિયા સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.  

આ મંચ ઉપર નેફ્રોલોજી અને યુરોલોજીના નિષ્ણાતો એક સાથે જોડાયા જેથી ઉપચારને નવી દિશા અને સંદેશો મળશે તેમ પણ વક્તાઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મેડિકલ કોલેજના આસી. ડીન ડો.અજીત ખીલનાની, ડો.હિતેશ આસુદાની, સર્જન ડો.રાજેશ ગોરી, ડો.ઘનશ્યામ પરમાર, મેડિસિન વિભાગના ડો.દેવિકા ભાટ, ડો.વિનાયક ચૌહાણ, ડો.કશ્યપ બુચ તેમજ સર્જરી વિભાગના ડો.હિરલ રાજદે અને ઓન્કોસર્જન ડો.હેત સોની  સહિત સર્જરી અને મેડિસિનના રેસિડેન્ટ્સ અને ઇન્ટર્ન તબીબો  ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending