મુંદ્રા સોલાર પ્લાન્ટ ખાતે આરોગ્ય જાગૃતિ અને તપાસણી કાર્યક્રમનું ભવ્ય આયોજન

અદાણી ફાઉન્ડેશન, અદાણી સોલાર પ્લાન્ટ અને અદાણી કચ્છ કૉપરના સંયુક્ત પ્રયાસથી મુંદ્રા સોલાર પ્લાન્ટ ખાતે આરોગ્ય જાગૃતિ અને તપાસણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે યોજાયો હતો, જેમાં મશીનરી, સુરક્ષા અને સોડેક્ષો કેન્ટીનમાં કામ કરતી 300થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

કાર્યક્રમમાં ડૉ. શાલિની રાકેશ (સ્ત્રી રોગ નિષ્ણાત, અદાણી હોસ્પિટલ) દ્વારા મહિલાઓમાં જોવા મળતી આરોગ્ય સમસ્યાઓ જેવી કે દર્દનાક માસિક ધર્મ, અતિશય રક્તસ્ત્રાવ, હોર્મોનલ અસંતુલન, ગર્ભાશયની ગાંઠ અને ગર્ભાશયના મુખનું કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે હ્યુમન પૅપિલોમાવાયરસ (HPV) વેક્સિન અને નિવારક પગલાંનું મહત્વ સમજાવ્યું. બહેનોએ પોતાના પ્રશ્નો રજૂ કરીને આ ચર્ચામાં સક્રિય ભાગ લીધો.

ડૉ. નરેન્દ્રસિંહ ડોડીયાએ એનિમિયા જેવા સામાન્ય રોગો પર પ્રકાશ પાડ્યો, જે લોહતત્ત્વ, હિમોગ્લોબિન, ફોલિક એસિડ અને વિટામિન B12ની ઉણપથી થાય છે. તેમણે નિયમિત યોગ, મેડિટેશન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

અદાણી સોલારના વરુણકુમારે ડૉક્ટરો સાથે મહિલા કર્મચારીઓની આરોગ્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને આવા કાર્યક્રમો દ્વારા પારિવારિક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોની પ્રશંસા કરી.

Leave a comment

Trending