ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય તે પહેલા જ અરબસાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કુયુલેશનના કારણે 21 થી 26 મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાઈઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબ સાગરમાં સર્જાયેલુ લોપ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના વ્યકત કરી છે. જો કે, હવામાન વિભાગ તરફથી હજી સુધી વાવાઝોડા અંગે કોઈ સત્તાવારી વિગત જાહેર કરવામાં આવી નથી. હવામાન વિભાગ તરફથી ફક્ત ભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જે આગામી 12 કલાકમાં લો પ્રેસર બનવાની અને તેના પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે.

આજે ઉત્તર ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વીજળી અને સપાટી પર 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં થોડા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

આવતીકાલે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને સપાટી પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એ સિવાય દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં જ્યારે કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો રહેશે. અરબ સાગરમા લો પ્રેસર બન્યું છે. હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે એવી સંભાવના છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે. જેથી આગળ જતા આ લોપ્રેસર વાવાઝોડું બની શકે છે, અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આન ‘શક્તિ’ નામ આપવામાં આવશે. જો કે, હવામાન વિભાગ દ્વારા હજી સુધી વાવાઝોડાની સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

Leave a comment

Trending