રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. બીજા ફેઝમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે 8,500થી વધુ નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. મકાનોનાં બાંધકામનો 50 હજાર ટન કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળને રિયુઝ કરવા માટે એને મ્યુનિસિપલ કોર્પોરેશનના CND( કન્સ્ટ્રક્શન વેસ્ટ) વેસ્ટ પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. એને રિસાઇકલ કરીને પેવર બ્લોક, બેન્ચ, સિમેન્ટ બ્લોક અને અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં આવશે. કેટલોક કાટમાળ આગામી ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે પણ ઉપયોગમાં લેવાશે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, શહેરના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ટન કન્સ્ટ્રક્શન વેસ્ટનો કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળ ખસેડવાની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 4,000થી વધુ નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનોને તોડવામાં આવ્યાં હતાં, જેના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એ અંતર્ગત 15000 ટનથી વધુ કાટમાળ અત્યારે ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાંથી જે કાટમાળ એકત્રિત થયો છે એ તમામને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. એમાં મોટા ભાગનો કન્સ્ટ્રક્શન વેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીએનડી વેસ્ટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે, જેમાં એજન્સી દ્વારા પેવર બ્લોક અને બેન્ચ સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે એમાં મોકલવામાં આવી રહ્યો છે.
કેટલોક કન્સ્ટ્રકશન વેસ્ટ આગામી ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે મૂકી રાખવામાં આવશે, કારણ કે ચોમાસા દરમિયાન શહેરમાં નાના-મોટા ખાડા પડતા હોય છે. ત્યારે ડામરનો ઉપયોગ કરી એને પૂરી શકાતા ન હોવાથી કન્સ્ટ્રક્શન વેસ્ટનો ઉપયોગ કરી ખાડા પૂરી શકાય છે. એ માટે ચંડોળા તળાવના કન્સ્ટ્રકશન વેસ્ટનો એમાં ઉપયોગ કરવામાં આવશે. અત્યારસુધીમાં 15,000 ટનથી વધુ કન્સ્ટ્રક્શન વેસ્ટ એકત્રિત થઈ ચૂક્યો છે. હજી પ્રથમ તબક્કાનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જે 10,000 ટનથી વધુ હોઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજા તબક્કામાં 8500થી વધુ નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો દૂર કરવામાં આવ્યાં છે, જેનો પણ કાટમાળ ખૂબ જ એકત્રિત થયો છે. એને આજે 21 મેથી હટાવવાની શરૂઆત કરવામાં આવશે. આ કાટમાળને દૂર કરવા માટે અંદાજે 75થી વધુ ટ્રકો અને 20થી વધારે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ડિમોલિશન કરવામાં આવ્યું છે એમાં અંદાજે 25,000 ટન જેટલો કન્સ્ટ્રકશન વેસ્ટ એકત્રિત થઈ શકે છે. કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપરાંત કેટલીક લાકડાં વાંસની સળી વગેરે પણ એમાંથી મળી આવી છે. એ તમામને અલગ કરી જે બળતણ લાયક હશે એને વેસ્ટ ટુ એનર્જીના પ્લાન્ટમાં મોકલવામાં આવશે, જેથી તેનો રિયુઝ થઈ શકે.






Leave a comment