દેશના બેન્કિંગ સેક્ટરમાં સરકારી બેન્કોએ દમદાર વાપસી કરી છે. 15 વર્ષમાં પહેલીવાર સરકારી બેન્કોએ લોન ગ્રોથના મામલે ખાનગી બેન્કોને પાછળ છોડી દીધી છે. તેનું મુખ્ય કારણ એચડીએફસી અને એક્સિસ બેન્ક જેવી પ્રમુખ ખાનગી બેન્કો દ્વારા લોન વિતરણમાં આવેલી સુસ્તી છે.
રસપ્રદ વાત એ છે કે ડિસેમ્બર 2024 સુધી સરકારી બેન્કોનો પર્સનલ લોન સેગમેન્ટમાં વાર્ષિક ગ્રોથ 17% રહ્યો છે, જ્યારે ખાનગી બેન્કોનો 10% જ રહ્યો છે. સરકારી બેન્કોએ ઇન્ડસ્ટ્રી, સર્વિસ અને પર્સનલ તમામ કેટેગરીમાં લોન આપવામાં પ્રાઇવેટ બેન્કોને પાછળ છોડી દીધી છે.
ડિસેમ્બર 2024 સુધી સરકારી અને ખાનગી બેન્કોએ કુલ 37.9 લાખ કરોડની ઇન્ડસ્ટ્રિયલ લોન આપી છે. તેમાં સરકારી બેન્કોનો હિસ્સો 60% રહ્યો છે. સર્વિસ કેટેગરીમાં કુલ 49.9 લાખ કરોડની લોનમાં સરકારી બેન્કોનો હિસ્સો 56% રહ્યો છે.
નાણાવર્ષ 2025 સુધી સરકારી બેન્કોની હોમ લોન 46.4%ની ઝડપે વધી હતી, એક વર્ષ પહેલા આ વૃદ્ધિ 45.1% હતી. ખાનગી બેન્કોની હોમ લોનમાં વૃદ્ધિ એક વર્ષ પહેલાના 54.9%થી ઘટીને 53.6% રહી છે. સરકારી બેન્કોએ નાણાવર્ષ 2024-25 દરમિયાન 2.1 લાખ કરોડની હોમ લોન પોતાના પોર્ટફોલિયોમાં જોડી હતી.
નાણાવર્ષ 2025 સુધી ક્રેડિટ ગ્રોથ સતત ચાર વર્ષથી ડિપોઝિટ ગ્રોથથી વધુ રહ્યો છે. આવું છેલ્લા 50 વર્ષમાં બીજી વાર થયું હતું. જો કે પર્સનલ લોન પર આરબીઆઇની સખ્તાઇ બાદ ક્રેડિટ અને ડિપોઝિટ ગ્રોથની વચ્ચે અંતર ધીરે ધીરે ઘટી રહ્યું છે. વર્તમાન નાણાવર્ષ 2026માં બંને એક સ્તરે આવવાની સંભાવના છે. ક્રેડિટ અને ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક 10-12%નું અનુમાન છે.






Leave a comment