દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ વિક્રમ સિંહ મહેતાને તેના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. વિક્રમ ભૂતપૂર્વ IAS અધિકારી છે. આ પહેલા, વિક્રમ શેલ ગ્રુપ ઓફ કંપનીઝ ઈન્ડિયાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે ઇજિપ્તમાં શેલ માર્કેટ્સ અને શેલ કેમિકલ્સના CEO જેવા હોદ્દા પણ સંભાળ્યા છે.
વિક્રમ ભૂતપૂર્વ ચેરમેન વેંકટ સુમંત્રનનું સ્થાન લેશે. સુમંત્રન ત્રણ વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કરતા હતા. ઇન્ડિગો બોર્ડમાં 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી તેમણે રાજીનામું આપ્યું.
આ ઉપરાંત, ઇન્ડિગોએ નવી મુંબઈમાં બની રહેલા નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઓગસ્ટમાં પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એરલાઇને બુધવારે જણાવ્યું હતું કે તે આ નવા એરપોર્ટથી વ્યાપારી કામગીરી શરૂ કરનારી પ્રથમ એરલાઇન બનશે.
ઇન્ડિગોનું સંચાલન કરતી કંપની ઇન્ટરગ્લોબ એવિએશનએ નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 3,068 કરોડનો ચોખ્ખો નફો (એકત્રિત ચોખ્ખો નફો) કર્યો છે. વાર્ષિક ધોરણે તેમાં 62%નો વધારો થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ.1,895 કરોડ હતું. હવાઈ મુસાફરીની વધતી માગને કારણે કંપનીએ આ નફો કર્યો છે.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઈન્ડિગોની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 22,152 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 24ના ચોથા ક્વાર્ટરમાં એટલે કે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 17,825 કરોડ રૂપિયા હતી. ઇન્ડિગોએ બુધવારે (21 મે) તેના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા.
બજાર હિસ્સાની દૃષ્ટિએ ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે. ભારતીય એરલાઇન બજારમાં કંપનીનો હિસ્સો લગભગ 64% છે. તેની સ્થાપના 2006માં રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા કરવામાં આવી હતી. તે દરરોજ 2000થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
ઇન્ડિગો ફ્લાઇટ્સ 80થી વધુ સ્થાનિક સ્થળો અને 30થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ સેવા આપે છે. તે 110+ સ્થળોને જોડે છે. એરલાઇન પાસે 320થી વધુ વિમાનોનો કાફલો છે. તેના 50 કરોડથી વધુ ગ્રાહકો છે.






Leave a comment