જીકે જન. હોસ્પિ. ના તબીબોએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે આપ્યો જાગૃતિનો સંદેશ

ભારતમાં ૨૭ કરોડ લોકો તમાકુની જુદી જુદી પ્રોડક્ટ પેટમાં પધરાવે છે

તમાકુના સેવનથી અનેક જીવલેણ બીમારી થાય છે. જેમાં કેન્સર, હૃદય રોગ, હાઈ બી. પી.અને શ્વાસના રોગ મુખ્ય છે.દાંત અને આંખની  તેમજ પ્રજનન ક્ષમતા ઉપર પણ તમાકુ અસર કરે છે,એમ અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું.        

તમાકુ દ્વારા શારીરિક,આર્થિક અને સામાજિક નુકસાનીનો વ્યાપ મોટો હોવા છતાં આ વ્યસન માનસ ઉપર એટલું પ્રભાવક છે કે આદત છૂટી શકતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો મરણને શરણ થાય છે તો બીજી તરફ વિશ્વમાં  તમાકુનું ખરાબ આદતની ટેવવાળા કુલ વ્યક્તિઓ પૈકી એકલા ભારતમાં જ ૧૫ ટકા લોકો છે. આ પરિસ્થિતિને કારણે દર વર્ષે ૩૧મી મે ના રોજ ડબલ્યુ.એચ.ઓ.દ્વારા “નો ટોબેકો ડે” રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

તમાકુની ઝેરી અસર શરીરના દરેક અંગ ઉપર પડે છે, જેથી સામાન્ય બીમારી જટિલ બને છે.ધૂમ્રપાનની અસર રક્ત પરિભ્રમણ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર પણ પડે છે. ધૂમ્રપાનથી શ્વસનતંત્ર, પાચનતંત્ર, પ્રજનનતંત્ર, ઉત્સર્જનતંત્ર ચેતાતંત્રના તમામ અંગો સહિત મોઢું,ગળું અને તેને જોડતા પેટના લીવર,જઠર સહિતના અંગોનું કેન્સર થઈ શકે છે.મોઢાના ૯૦ ટકા કેન્સર તમાકુના સેવનથી થાય છે. 

આજ કાલ હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ખાન પાન અને નિષ્ક્રિય જીવનશૈલી ઉપરાંત વંશાનુગતની સાથે તેના કારણોમાં ધૂમ્રપાનની અસર પણ ઓછી નથી. બીડી, સિગારેટ, હુક્કા, ગુટકા, ખેની વિગેરેને કારણે રક્તમાં સારા  કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું અને ખરાબ એલડીએલનું પ્રમાણ વધી જવાથી સમગ્ર રક્તપ્રવાહ ક્ષતિગ્રસ્ત થાય છે. જે હાર્ટ એટેક ને સ્ટ્રોકનું કારણ બને છે.

આ બીમારી માત્ર ધૂમ્રપાન કરનારને જ નહીં, પણ સેકન્ડ હેન્ડ વ્યક્તિ જે ધૂમ્રપાન પછી ધુમાડો છોડે છે અને બીજી વ્યક્તિ એ ધુમાડો શ્વાસમાં  લે છે એમને પણ થવાની સંભાવના વધી જાય છે. એક સર્વે મુજબ આવી ટેવને લીધે ૨૫ થી ૩૦ ટકાને દિલની અને ૨૦ થી ૩૦ ટકાને સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે. તબીબોના જણાવ્યા મુજબ જો આવી કોઈ સમસ્યા ઉદ્ભવે તો ડૉક્ટર્સનો સંપર્ક કરી સારવાર લેવા ઉપરાંત ધૂમ્રપાન કે કોઈ વ્યસન છોડવાના ઉપાયો શરૂ કરી દેવા જોઈએ.

આમ એકલા ભારતમાં જ ૨૭ કરોડ લોકો તમાકુની જુદી જુદી પ્રોડક્ટનો ઉપયોગ જુદી જુદી રીતે કરી તમાકુ ખાય છે, યાતો શ્વાસમાં લઈ રોગને નિમંત્રે છે, ત્યારે સ્વસ્થ આવતીકાલ માટે તમાકુનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે.

Leave a comment

Trending