પાકિસ્તાનની પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક અહેમદ ખાને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના આરોપી લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદનો બચાવ કર્યો છે.
1 જૂનના રોજ મીડિયાને આપેલા નિવેદનમાં, મલિકે કહ્યું, “ભારતે કોઈ તપાસ વગર પહેલગામ હુમલા માટે સૈફુલ્લાહને દોષી ઠેરવ્યો છે. ભારતીય અધિકારીઓએ હુમલાના થોડા દિવસોમાં જ સૈફુલ્લાહ વિરુદ્ધ FIR દાખલ કરી હતી, પરંતુ તેમની પાસે આ આરોપને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.”
આ ઉપરાંત, મલિકે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ માટે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો.
28 મેના રોજ પાકિસ્તાનના પંજાબમાં એક કાર્યક્રમ દરમિયાન, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ અને ઘણા નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરી, લશ્કરના સહ-સ્થાપક અમીર હમઝા અને હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ પણ હાજર હતા.
આ આતંકવાદીઓ સાથે સ્ટેજ શેર કરનારાઓમાં પાકિસ્તાનના ખાદ્ય મંત્રી મલિક રશીદ અહેમદ ખાન અને પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક મુહમ્મદ અહેમદ ખાનનો સમાવેશ થાય છે.
આ બધા 28 મેના રોજ પરમાણુ પરીક્ષણની 27મી વર્ષગાંઠ પર પંજાબમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર હતા. આ દરમિયાન આ નેતાઓ અને આતંકવાદીઓએ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા.
આતંકવાદી સૈફુલ્લાહે કાર્યક્રમમાં ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓને શહીદ પણ કહ્યા હતા.
તેમણે દાવો કર્યો કે આ હુમલા પછી આખી દુનિયા તેમને ઓળખવા લાગી છે. તેમણે કહ્યું, ‘મને પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવ્યો હતો. તેઓએ મારું નામ એટલી બધી વખત લીધું છે કે હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે.’
પાકિસ્તાની પત્રકાર તાહા સિદ્દીકીએ ટ્વિટર પર હમઝાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહેતો સાંભળી શકાય છે કે, “કાશ્મીર પાકિસ્તાન બનશે. જમ્મુ પાકિસ્તાન બનશે. ભારતીય પંજાબ ખાલિસ્તાન બનશે.”
સૈફુલ્લાહ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના રાવલકોટનો રહેવાસી છે. તે ત્યાંથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. તેણે માર્ચમાં એક ભાષણ આપ્યું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આમાં, તેઓ પાકિસ્તાન સરકારને કડક સ્વરમાં કાશ્મીર મુદ્દાને ઠંડો ન પડવા દેવા માટે કહી રહ્યા છે. સૈફુલ્લાહનું આ ભાષણ માર્ચ 2025નું હોવાનું કહેવાય છે. જોકે, તેની તારીખ અને સ્થાન જાણી શકાયું નથી.






Leave a comment