– સ્વાસ્થ્યની સવારી સાઇકલનો પ્રત્યેક પેડલ શરીરને ઉર્જા પ્રદાન કરી ચુસ્ત – દુરસ્ત રાખે છે
આજે દુનિયાએ તેજ રફતાર પકડી લીધી છે,પરંતુ આ ઝડપે માનવીની જીવનશૈલી તહસ -નહસ કરી નાખી છે, ત્યારે સમાજમાં એક સમુદાય એવો પણ છે સ્વાસ્થ્યની સવારી સાઇકલ તરફ વળ્યો છે,જેના પ્રત્યેક પેડલ ઊર્જાનો સ્રોત છે,એમ ૩જી જૂનના રોજ દર વર્ષે ઉજવાતા વિશ્વ સાઈકલ દિવસ નિમિતે અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના વિવિધ વિભાગોના તબીબોના જણાવ્યા મુજબ સાઇકલ ચલાવવાથી શરીરનું સંતુલન સુધરે છે, જે એક કૌશલ છે અને તેની દરેક અવસ્થામાં જરૂર પડે છે.નિયમિત સાઇકલ ચલાવવાથી ફેફસાં દુરસ્ત રહે છે અને તેની ક્ષમતામાં વધારો થાય છે.સૌથી મહત્વની બાબતો શરીરની દરેક માંસપેશીને ઓક્સિજન મળે છે.પરિણામે શરીરની ઉર્જા પણ વધે છે.
સાઇકલને શાનની સવારી પણ કહેવામાં આવે છે.આનંદ દાયક રીતે સાઇકલ ચલાવવાથી ઘૂંટણ,સાંધા અને કમર સહિત શરીરના અનેક ભાગોને કસરત મળે છે.શરીરમાંથી ચરબીનું પ્રમાણ પણ ઘટે છે.તેથી શરીર સ્થૂળ બનતું અટકી જાય છે. છેવટે તો ફિટનેસ જ સુધરે છે, જે અનેક રોગો માટે દુશ્મન સમાન છે.આ રીતે સ્થૂળતા હટાવવાની ભારત સરકારની ઝુંબેશનું મુખ્ય હથિયાર બની ગયું છે.
સાયકલિંગ ડાયાબિટીસ અને ખાસ કરીને ટાઇપ ટુ માં રાહતરૂપ તો છે જ પરંતુ હૃદય રોગ માટે લાભદાયક છે. સ્ટ્રોક,હાર્ટ એટેકમાં ઘટાડો જોવા મળે છે. સાયકલિંગથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતો હોવાનું તબીબો સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું.સાઇકલિંગના અનેક લાભ છે,પરંતુ સાયકલિંગ શરૂ કરતા પહેલા તબીબની સલાહ લેવી પણ એટલીજ આવશ્યક છે.
સ્વાસ્થ્ય સાથે સામાજિક ભાવનાને પણ સાઇકલ જાગૃત કરે છે.૨૦મી સદીના ૭૦ અને ૮૦ના દાયકામાં જે શાનની સવારી ગણાતી હતી તે ફરી આજે પરત ફરી રહી છે, કેમકે લોકો તેનું મહત્વ સમજતા થયા છે.આમ સાઇકલ સ્વાસ્થ્યની સફરને સરળ અને લાંબા જીવન માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે.






Leave a comment