પાકિસ્તાનમાં કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા

પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલિર જેલમાંથી ઓછામાં ઓછા 216 જેટલા કેદી ભાગી ગયા છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, સોમવારે કરાચીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ સાવચેતીનાં પગલાં તરીકે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જિયો ન્યૂઝ અનુસાર, 100થી વધુ કેદીઓ તક લાભ ઉઠાવીને મેન ગેટથી ભાગી ગયા હતા.

આમાંથી લગભગ 80 કેદીને ફરીથી પકડવામાં આવ્યા છે, જ્યારે 135 કેદી હજુ પણ ફરાર છે. સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લાંજરે મંગળવારે વહેલી સવારે આ વાતની પુષ્ટિ કરી.

અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કેદીઓ દીવાલ તોડીને ભાગી ગયા હતા. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે કોઈ દીવાલ તોડવામાં આવી નથી, ભાગદોડ દરમિયાન બધા કેદીઓ મેન ગેટથી ભાગી ગયા હતા.

સિંધ પ્રાંતના ગૃહમંત્રી લાંજરે જણાવ્યું હતું કે ભૂકંપ પછી 700થી 1000 કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંધાધૂંધીમાં લગભગ 100 કેદી મેન ગેટ તરફ ધક્કા-મુક્કી શરૂ કરીને ભાગી ગયા.

ભાગી ગયેલા કેદીઓમાંથી કેટલાકને ફરીથી પકડવામાં આવ્યા છે, જ્યારે ઘણા હજુ પણ ફરાર છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, સર્ચ-ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઓપરેશનમાં સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ (SSU), રેપિડ રિસ્પોન્સ ફોર્સ (RRF), રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ની ટીમો સાથે મળીને કામ કરી રહી છે.

ઘટના બાદ તરત જ રેન્જર્સ અને FCએ જેલનો કબજો સંભાળી લીધો. આઈજી જેલ, ડીઆઈજી જેલ અને જેલમંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

આ ઘટનામાં એક કેદીનું મોત થયું હોવાના અહેવાલ છે. 4 સુરક્ષાકર્મચારીઓ ઘાયલ થયા છે. ગૃહમંત્રીએ સ્વીકાર્યું કે આ ઘટનાનું કારણ વહીવટી બેદરકારી પણ હોઈ શકે છે.

મુખ્યમંત્રી મુરાદ અલી શાહને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમણે ગૃહમંત્રીને જેલમાં જઈને પરિસ્થિતિ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

સિંધના રાજ્યપાલ કામરાન ટેસોરીએ પણ આ ઘટનાની નોંધ લીધી અને ગૃહમંત્રી અને સિંધ પોલીસના આઈજીને તમામ કેદીઓને જલદીથી ધરપકડ કરવા જણાવ્યું.

ગૃહમંત્રી લાંજરે કહ્યું હતું કે દરેક ભાગી ગયેલા કેદીની ઓળખ અને રેકોર્ડ છે. તેમનાં ઘરો અને આસપાસના વિસ્તારોમાં રેડ પાડવામાં આવી રહી છે.

જેલમંત્રીએ કહ્યું હતું કે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે. સુરક્ષા માટે ચેક પોસ્ટ અને દેખરેખ કડક બનાવવામાં આવી રહી છે.

ગયા વર્ષે જુલાઈમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાવલકોટ જેલમાંથી 19 કેદી ભાગી ગયા હતા. એમાંથી 6 કેદીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટના પૂંછની રાવલકોટ જેલમાં બની હતી, જે મુઝફ્ફરાબાદથી લગભગ 110 કિમી દૂર છે. રવિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે એક કેદીએ ગાર્ડને તેની લસ્સી બેરેકમાં લાવવા કહ્યું હતું. જ્યારે ગાર્ડ આવું કરવા આવ્યો ત્યારે કેદીએ તેને બંદૂકના નાળચે પકડી લીધો અને તેની ચાવીઓ છીનવી લીધી. આ પછી કેદીએ બાકીના બેરેકનાં તાળાં પણ ખોલી નાખ્યાં.

પછી બધા કેદીઓ મેન ગેટ તરફ દોડી ગયા. આ દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં એક કેદીનું મોત નીપજ્યું.

Leave a comment

Trending