જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં કમ્પોઝીશન સ્કીમ ધરાવતા કેટલાક વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અધિકારીઓને નવી મોડસ ઓપરેન્ડી જાણવા મળી હતી. જેમાં વેપારીઓ રોકડમાં વ્યવહારો કરીને ઓછું ટર્નઓવર બતાવીને કમ્પોઝીશન સ્કીમનો પણ લાભ લઈ રહ્યા હોવાનું અધિકારીઓને જાણવા મળ્યું હતું. બન્ને રીતે ડિપાર્ટમેન્ટને ગેરમાર્ગે દોરતા કરચોર વેપારીઓને પકડવા માટે ખાસ તૈયારીઓ શરૂ કરાઇ છે.
જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તા. 21 મે, 2025ના રોજ અમદાવાદ, મહેસાણા અને પાલનપુરમાં રેડીમેડ ગાર્મેન્ટનું વેચાણ કરતા વેપારીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ કરીને ઓછું ટર્નઓવર દર્શાવી કમ્પોઝીશન સ્કીમ હેઠળની મર્યાદાનો લાભ લેવામાં આવતો હતો. આ રીતે કમ્પોઝીશન સ્કીમમાં આવતા વેપારીઓએ ઉચ્ચક વેરો ભરવો તથા બિન હિસાબી સ્ટોક ધરાવવા જેવી ઘણી ગેરરીતિઓ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. આમ રજિસ્ટ્રર ન હોય તેવા વેપારીઓને ત્યાંથી રૂ. 1.48 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી. રેડીમેડ ગાર્મેન્ટના વેપારીઓ દ્વારા કરાતી આ નવીન પ્રકારની કરચોરી ઝડપી પાડ્યા બાદ રાજ્યમાં કમ્પોઝીશન હેઠળ નોંધાયેલા કરદાતાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારથી થતી કરચોરીને રોકવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટના નિષ્ણાતો ટેકનિકલ સરવે શરૂ કરી દીધો છે. ઓછું ટર્નઓવર બતાવીને કોમ્પોઝિશનમાં રહીને જીએસટીની તમામ પ્રક્રિયામાંથી બહાર રહે છે. આ ઉપરાંત કમ્પલાઇન્સ વગર પોતાના ધંધા-રોજગારને કાયદેસર ચલાવી શકે છે. બીજી તરફ ઓછું ટર્નઓવર બતાવવા માટે વેપારીઓ ચોપડા ઉપર ન આવે તેવા વ્યવહારોને રોકડમાં વ્યવહારો કરી રહ્યા છે.
રેડીમેડ ગાર્મેન્ટના વેપારીઓની આ મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ પણ ચોંકી ગયા છે. હવે આ કમ્પોઝિશન કરદાતાઓના વ્યવહારોની છેલ્લા પાંચ વર્ષના વ્યવહારોની તપાસ હાથ ધરી છે. જેમાં કોમ્પોઝિશનમાં અમુક રકમ સુધીના ટર્નઓવરની સ્કૂટીની કરવાનું ચાલું કર્યું છે.






Leave a comment