જી. કે. જન. હોસ્પિ.ના  આહાર વિભાગે કિચન સ્ટાફને દર્દી માટે બનતા ખોરાકની ગુણવતા ઉપર માર્ગદર્શન આપ્યું

સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક જીવનનો આધાર બને છે,ત્યારે આરોગ્યના આ મંત્રને સાક્ષાતકાર કરવા અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલ ના ડાયટ એટલે કે આહાર વિભાગે હોસ્પિટલના રસોડાના સ્ટાફને દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ખોરાક અંગે કાળજી લેવા વિશ્વ ખાધ્ય સુરક્ષા દિવસની પૂર્વ સંધ્યાએ  માર્ગદર્શન આપ્યું હતું.

હોસ્પિટલના ડાયટીશ્યન પૃથ્વીબેન લખલાણી અને સોનુ યાદવે ફૂડ પ્રોસેસિંગ સ્ટાફને રસોઈ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો પ્રત્યે ધ્યાન દોરતા માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, રોજીંદી રસોઈમાં વપરાતી ખાદ્ય સામગ્રી, શાકભાજી, અનાજ, તેલ મસાલાની ગુણવતા સાથે રસોડાની સ્વચ્છતા પણ એટલી જ મહત્વની છે.

તેમણે દર્દીઓ માટે ખોરાક તૈયાર કરતી વખતે હાથ ધોવા જેવી અત્યંત  જરૂરી બાબતોની અગત્યતા સમજાવી ઉમેર્યું કે, ખોરાકનું સાચું તાપમાન જાળવવું, કાચા અને તૈયાર રાંધેલા ખોરાકને અલગ રાખવા  ફીફો(ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ)સિસ્ટમ રાંધવામાં ખાસ અપનાવવી, ખાધ પદાર્થ ઉપર એક્સપાયરી તારીખ સ્પષ્ટ જોવી તેમજ ખાદ્ય પદાર્થો ઘણી વખત ગુણવત્તાના ધોરણોને નેવે મૂકીને ગેરકાયદે બનતા હોવાથી જાગૃત રહેવું પણ જરૂરી છે.

હોસ્પિટલમાં તૈયાર થતો ખોરાક જે તમામ દર્દી સુધી પહોંચે છે, તે ખોરાકની ગુણવત્તા અને આરોગ્ય સેવાના સ્તરને ઊંચું રાખવા માટે જંતુ નિયંત્રણ અને કેન્ટીનમાં ફૂડ હેન્ડલિંગની સાવચેતીના તમામ મુદ્દાઓથી  કિચન સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા. ખોરાકની ગુણવત્તા અને ખાધ્ય સુરક્ષા જ આરોગ્ય સેવાઓની સફળતાનું એક મહત્વનું સ્તંભ છે અને તેમાંય હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા ઉપર તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે આટલું ધ્યાન રાખવું આરોગ્ય માટે હિતાવહ:

હોસ્પિટલના આહારશાસ્ત્રીઓએ માત્ર હોસ્પિટલના રસોઈઘરના સ્ટાફ માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ કેટલીક ચોક્કસ બાબતો ઉપર ધ્યાન રાખવા અંગે જણાવ્યું કે, દરેક ખાદ્ય ખોરાક પદાર્થ ખરીદતી વખતે પેકેટ ઉપર એફ.એસ.એસ.એ.આઈ. એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો અને લાઇસન્સ નંબર છે કે નહીં તેની ચકાસણી પણ અવશ્ય કરવી જોઈએ.

Leave a comment

Trending