બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ (BRICS) સંસદીય ફોરમમાં પહલગામ હુમલાની સખત નિંદા કરી

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી છે. શુક્રવારે (છઠ્ઠી જૂન) બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ (BRICS) સંસદીય ફોરમમાં આ હુમલાની સખત નિંદા કરી હતી અને આતંક સામે સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે ચીન ઉપરાંત ઘણાં મુસ્લિમ દેશો પણ આમાં સામેલ છે.

ચીન ઉપરાંત, ઘણા મુસ્લિમ દેશો પણ બ્રિક્સ સંસદીય પેનલમાં સામેલ છે. આ ફોરમમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા તેમજ ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. લોકસભા સાંસદ ઓમ બિરલાએ બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વના વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે, જ્યાં પાકિસ્તાનના આતંકવાદને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

સંબોધનમાં ઓમ બિરલાએ કહ્યું કે, ‘આતંકવાદ આજે એક વૈશ્વિક સંકટ બની ગયો છે, જેનો સામનો ફક્ત આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા જ કરી શકાય છે. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય બંધ કરવી, ગુપ્ત માહિતીની વહેંચણી ઝડપી બનાવવી, ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવવા અને તપાસ અને ન્યાયિક કાર્યવાહીમાં સહયોગ આપવો.’ બેઠકમાં હાજર તમામ દેશોએ ઓમ બિરલાના મુદ્દાઓને સર્વાનુમતે સ્વીકાર્યા અને અંતિમ ઘોષણામાં તેનો સમાવેશ કર્યો.

લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સંયુક્ત ઘોષણામાં ભારતના પહલગામ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે અને તમામ બ્રિક્સ દેશોની સંસદોએ આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા સંમતિ આપી છે. આતંકવાદ ઉપરાંત, બેઠકમાં AI, વૈશ્વિક વેપાર, આંતર-સંસદીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a comment

Trending