કચ્છ માટે 4100 શિક્ષકની ભરતીની જાહેરાત છતાં સ્થાનિકોને અન્યાય

કચ્છ માટે રાજ્ય સરકારે ધો.1થી 5 માટે 2500, ધો.6 થી 8 માટે 1600 મળી કુલ 4100 શિક્ષકોની વિશિષ્ટ ભરતી જાહેર કરી છે, જેમાં કચ્છના ઉમેદવારોને અન્યાય થયો હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદન અપાયું છે.

જિલ્લાના ટેટ 1,2 પાસ ઉમેદવારોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ભરતી ખાસ કચ્છ માટે જાહેર થઈ હોવા છતાં સ્થાનિકોને અગ્રતા આપવામાં આવી નથી. કચ્છ બહુભાષિક પ્રદેશ છે. અહીં વાગડ, બન્ની, લખપત અને કંઠી વિસ્તારોમાં ભાષાની વિવિધતા છે. અન્ય જિલ્લાના શિક્ષકો કચ્છના બાળકો સાથે તાદાત્મ્ય જાળવી શકતા નથી. સ્થાનિક શિક્ષકો હશે તો આ સમસ્યા ઉકેલાશે. અગાઉ કચ્છ માટે “નોકરી ત્યાં નિવૃત્તિ’ નિયમ લાગુ થયો હતો. પણ પાંચ વર્ષમાં જ બોન્ડનો નિયમ રદ થયો. હવે ફરી આવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક ઉમેદવાર હશે તો આ સમસ્યા નહીં આવે.

1997માં ગુજરાતમાં આવેલી “બાલ ગુરૂ યોજના’માં દરેક જિલ્લામાં સ્થાનિકોને અગ્રતા આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારોને ભરતીમાં લેવામાં આવ્યા હતા. હાલ કચ્છમાં ઘણા ટેટ 1 અને 2 પાસ ઉમેદવારો છે. ડાંગ જિલ્લામાં ફક્ત ડાંગી લોકો માટે શિક્ષક ભરતી યોજાઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ સ્થાનિકો માટે ખાસ ભરતી યોજાઈ છે. ગુજરાતમાં પણ ડાંગ, પંચમહાલ અને ગોધરા જેવા જિલ્લાઓમાં સ્થાનિકોને અગ્રતા આપવામાં આવી છે. તો કચ્છ માટે પણ આવી ભરતી શક્ય છે.

આવેદન આપતી વખતે કચ્છ ટેટ પાસ સંગઠન પ્રમુખ સુલતાન મારા, તખતસિંહ સોઢા,વિશ્વજીતસિંહ જાડેજા, આશાબેન,રસીલાબેન, કીરીટસિંહ, વીપુલભાઇ, ગોપાલભાઇ વગેરે હાજર રહ્યા હતા.

Leave a comment

Trending