દેશમાં કોરોનાના 6800 કેસ, 68ના મોત

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6815 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં સૌથી વધુ 2053 કેસ છે. ત્યારબાદ 980 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટને કારણે 12 રાજ્યોમાં 68 દર્દીઓના મોત થયા છે. સોમવારે, કેરળ, દિલ્હી અને ઝારખંડમાં 1-1 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18 લોકોના મોત નોંધાયા છે.

સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 3 ડોકટરો સહિત 6 નવા કેસ નોંધાયા હતા. આ પછી, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે. મધ્યપ્રદેશમાં હાલમાં 43 એક્ટિવ કેસ છે.

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યના તમામ મુખ્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

મમતાએ કહ્યું- આશા છે કે મહામારી ફરી નહીં આવે, પરંતુ આપણે તૈયાર રહેવું પડશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

ગુજરાત: રાજ્ય સરકારે કહ્યું – અમે કોવિડ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે સતર્ક છીએ, અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલનો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ કોવિડ પરિવારનો છે, પરંતુ તે એટલો ગંભીર નથી.

કેરળ: આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023 માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર: રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી રાજ્યમાં કુલ 17 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 16 અન્ય રોગોથી પણ પીડિત હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 13,707 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 1064 કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટક: ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે 25 બેડનો કોવિડ વોર્ડ સ્થાપ્યો છે. આમાંથી પાંચ બેડ ICU (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના 10 સામાન્ય બેડ છે.

ઉત્તરાખંડ: રાજ્ય સરકારે બુધવારે ગાઈડલાઈન જારી કરી અને જિલ્લા વહીવટીતંત્રને હોસ્પિટલોમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા, ગંભીર શ્વસન ચેપ અને કોવિડ કેસ જેવા રોગોની જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

સિક્કિમ: રાજ્યના આરોગ્ય મંત્રી જીટી ધુંગલે જણાવ્યું હતું કે 29 મેથી રાજ્યમાં 526 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 15 લોકો પોઝિટિવ મળ્યા છે. આ પછી, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને, તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશ: રાજ્યમાં કોવિડનો પહેલો કેસ નોંધાયા પછી, 4 જૂને હોસ્પિટલમાં દરેક માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. 3 જૂને સિરમૌર જિલ્લાના નાહનમાં પહેલો કેસ મળી આવ્યો હતો.

ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે.

અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી.

કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે.

Leave a comment

Trending