ભારતીય શેરબજારમાં તાજેતરની ઉથલપાથલ છતા એંકદરે સારી તેજી જોવા મળી છે. ભારતીય માર્કેટે જબરદસ્ત છલાંગ લગાવી છે અને વૈશ્વિક મંચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. માર્ચ, 2025ની શરૂઆતથી ભારતમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1 ટ્રિલિયન ડોલર વધીને 5.33 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એટલેકે લગભગ 3 જ મહિનામાં 1 લાખ કરોડ ડોલરનો શાનદાર વધારો જોવા મળ્યો છે.
ભારતીય માર્કેટની 21 ટકાની આ વૃદ્ધિ વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી ઝડપી છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારત અમેરિકા અને ચીન જેવા વિશાળ બજારોને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શેરબજાર બન્યું છે. ભારત હાલમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું બજાર છે.
માર્ચથી અત્યાર સુધી ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં 12.5 ટકા અને 13.5 ટકાનો વધારો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 20 ટકા અને 26 ટકાથી વધુ વધ્યા છે. ભારતીય શેરબજારની આ તેજીથી રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે. જોકે, આ મજબૂત તેજીથી વેલ્યુએશન ફરી એકવાર મોંઘું થયું છે, જે ચિંતાનો વિષય છે.
વૈશ્વિક સ્તરે ભારત પછી, જર્મનીના બજારમાં બીજો સૌથી મોટો વધારો નોંધાયો છે. ત્યાંના બજારના મૂલ્યમાં આ સમયગાળા દરમિયાન લગભગ 14 ટકાનો વધારો થયો છે. કેનેડાની એમ-કેપ લગભગ 11, હોંગકોંગની 9 ટકા વધી છે. જાપાન અને યુનાઇટેડ કિંગડમના બજાર મૂલ્યમાં લગભગ 8 ટકાનો વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા ઇક્વિટી બજાર, યુનાઇટેડ સ્ટેટ્સના માર્કેટની કેપિટલાઈઝેશનમાં લગભગ 2.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે બીજા ક્રમના સૌથી મોટા ચીનમાં 2.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફ્રાન્સ અને તાઇવાનમાં અનુક્રમે 3.9 ટકા અને 3.2 ટકાથી વધુનો વધારો થયો છે.






Leave a comment