ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. 15 જૂનથી ચાર માસ માટે એટલે કે 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
જ્યારે આગામી 26 ઓક્ટોબર-2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી. જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગીરના જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય આવેલું છે. જે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. સિંહ દર્શન માટે અહીં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ આવે છે. પ્રવાસીઓ માટે અહીં સિંહ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવગનર જિલ્લામાં આવેલા વેળાવદર ગામ પાસે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ભાલ ક્ષેત્રના ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. એટલે અહીં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર સાથે વરુ, શિયાળ, નીલગાય પણ જોવા મળે છે.
કાળિયાર નેશનલ પાર્ક આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. પરંતુ તેની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. કારણ કે આ સમય દરમિયાન સ્થળઆંતર કરીને પણ પક્ષીઓ અહીં આવે છે.
રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. આ નેશનલ પાર્કમાં ખાસ મૂંગા પ્રાણી જોવા મળે છે. ભારતીય પક્ષી ગ્રેડ ઈન્ડિયન બસ્ટર્ડ અહીં જ જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું બાર શિંગડા વાળું સાબર પણ જોવા મળે છે.
ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
આ 23 અભ્યારણ્યો પણ બંધ રહેશે
- ગીર અભયારણ્ય, સાસણ (ગીર)
- ગીરનાર અભયારણ્ય, જુનાગઢ
- ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા
- નળ સરોવર અભયારણ્ય, સાણંદ
- જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
- બરડા અભયારણ્ય, પોરબંદર
- હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
- દરિયાઈ અભયારણ્ય, જામનગર
- નારાયણ સરોવર અભયારણ્ય, કચ્છ
- ખીજડીયા પક્ષી અભયારણ્ય, ખીજડીયા (જામનગર)
- રતનમહાલ રીંછ અભયારણ્ય, પંચમહાલ
- કચ્છ રણ અભયારણ્ય, કચ્છ
- ગાગા અભયારણ્ય, દેવભૂમિ દ્વારકા
- રામપરા અભયારણ્ય, વાંકાનેર, રાજકોટ
- થોળ અભયારણ્ય, કડી, મહેસાણા
- શૂલપાણેશ્વર અભયારણ્ય, નર્મદા
- પોરબંદર પક્ષી અભયારણ્ય
- પાણિયા અભયારણ્ય, ધારી, અમરેલી
- બાલારામ અંબાજી અભયારણ્ય, બનાસકાંઠા
- જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
- પૂર્ણા અભયારણ્ય, ડાંગ
- કચ્છ ઘોરાડ અભયારણ્ય
- મિતિયાળા અભયારણ્ય, સાવરકુંડલા, અમરેલી






Leave a comment