જી. કે. જન. હોસ્પિ. ના સર્જરી, એનેસ્થેટિક અને બાળરોગ શાખાના સંયુક્ત પ્રયાસથી શિશુને ખોરાક લેતો કરાયો

૧ માસના બાળકમાં પેટ અને આંતરડા વચ્ચેના ખોરાક પસાર થવાનો માર્ગ સોજાને લઈ અવરોધાતાં ઓપરેશનથી ખુલ્લો કરી આપ્યું નવજીવન

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં એક માસના બાળકના પેટ અને આંતરડા વચ્ચેની માંસપેશીમાં થયેલા સખત સોજાને કારણે ખોરાક પસાર થવાનો માર્ગ બંધ થઈ જતાં સર્જાયેલી  બાધાને ઓપરેશનથી દૂર કરી સર્જરી, એનેસથેટિક અને બાળરોગ વિભાગે બચાવી જીવનદાન આપ્યું હતું.

હોસ્પિટલના સર્જરી વિભાગના આસિ.પ્રોફે. સર્જન ડો.સિધ્ધાર્થ શેઠિયા અને આસી.પ્રોફે. ડો.પ્રજ્યોત પરદેશીના જણાવ્યા મુજબ કનકપર ગામના  એક માસના બાળકના પેટ અને આંતરડા વચ્ચે જ્યાંથી ખોરાક પસાર થાય છે, ત્યાં સખત સોજો આવી જવાથી માર્ગમાં અવરોધ ઉભો થવાથી  સમગ્ર પાચનતંત્ર વિક્ષેપિત થઈ ગયું હતું. 

બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેને વારંવાર ઉલટી થતી હતી તેમજ સખત ભૂખને કારણે સતત રડતું હતું.  તેનું અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કરાવતા તેના પેટ અને આંતરડા વચ્ચે સોજાને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી, જેને મેડિકલ ભાષામાં ઇન્ફેન્ટાઈલ પાયલોરીક સ્ટેનોસિસ કહે છે.

બાળકમાં જવલ્લેજ જોવા મળતી આ સ્થિતિથી બચવા ઓપરેશન જ એકમાત્ર ઉપાય હોતાં તેના પર સફળ શસ્ત્રક્રિયા કરાઈ અને ૨૪ કલાકમાં  શિશુએ દૂધ પીવાનું શરૂ કર્યું. મળ વિસર્જન પણ કર્યું અને હવે સ્તનપાન પણ કરે છે.પરિણામે બાળકની સ્થિતિ સતત સુધારા ઉપર આવતા તેને રજા આપવામાં આવી.

આ ઓપરેશનમાં રેસિ.ડો.નિલેશ બદાણી, ડો.મૈત્રી બારીયા, એનેસ્થેટિક ડો.દીક્ષિત પાનસુરીયા અને ડો.ચિરાગ ઓરિયા તેમજ બાળરોગ વિભાગના ડો.તરલ કેસરાણી જોડાયા હતા.

Leave a comment

Trending