ઇઝરાયલના વડાપ્રધાનનો સનસનીખેજ દાવો, ટ્રમ્પને મારી નાખવાનો છે ઈરાનનો પ્લાન

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ એક મોટો દાવો કર્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે, ‘ટ્રમ્પ એક શક્તિશાળી નેતા છે, તેથી તેઓ ઈરાન માટે દુશ્મન નંબર વન છે.’ ઇઝરાયલી પીએમએ દાવો કર્યો કે, ‘ટ્રમ્પને મારવા ઉપરાંત, ઈરાન મને પણ મારવા માંગતો હતો.’

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે દાવો કર્યો હતો કે, ‘ઈરાનનું ઇસ્લામિક શાસન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માને છે. આથી ઈરાન ટ્રમ્પને મારી નાખવા માંગે છે. કારણ કે હાલ તે જ ઈરાન માટે દુશ્મન નંબર વન છે.’

નેતન્યાહૂએ વધુમાં કહ્યું, ‘ટ્રમ્પ એક મજબૂત અને નિર્ણાયક નેતા છે. ઈરાનને યુરેનિયમ સમૃદ્ધ બને અને તેમનો પરમાણુ બોમ્બ બનાવવાનો માર્ગ સરળ બની ન રહે તે માટે ટ્રમ્પે તે નકલી કરાર તોડી નાખ્યો અને કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. તેમજ તેમણે ક્યારેય ઈરાન સાથે સમાધાન કરવા માટે નબળાઈનો માર્ગ પસંદ ન કર્યો. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમની કડકતાને કારણે, તેઓ ઈરાનનો સૌથી મોટો દુશ્મન બની ગયા છે.’

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક છે. તેઓ યુરેનિયમમાંથી પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યા છે. ઈરાન એક મહિનામાં પરમાણુ પરીક્ષણ કરવાની નજીક હતું અને એક વર્ષમાં તેમના હાથમાં પરમાણુ શસ્ત્રો હોત. એવામાં ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. જેમાં સેટેલાઇટ તસવીરોમાં તબરીઝ અને કરમાનશાહના મિસાઈલ ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે તે જાણવા મળ્યું છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને વર્ષો પાછળ ધકેલી દીધો છે.

નેતાન્યાહૂએ કહ્યું કે, ‘તેઓ પોતે પણ ઈરાનના નિશાના પર છે. મારા ઘરની બારી પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.’ તેમણે પોતાને ટ્રમ્પના ‘જુનિયર પાર્ટનર’ ગણાવ્યા અને કહ્યું કે, ‘અમે બંને મળીને ઈરાનના પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્રયાસોને રોકી રહ્યા છે. ઇઝરાયલ તાત્કાલિક ખતરાનો સામનો કરી રહ્યું છે અને અમારી પાસે છેલ્લી ઘડીએ કડક પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.’

ઇઝરાયલના પીએમએ વધુમાં કહ્યું કે, ‘અમે બે મોટા ખતરાનો સામનો કરી રહ્યા છીએ. પહેલું, પરમાણુ બોમ્બ બનાવવાનો ઈરાનનો પ્રયાસ. તેનો ઉદ્દેશ્ય અમને નષ્ટ કરવાનો છે. બીજું, તેમનો બેલિસ્ટિક મિસાઈલોનો વધતો ભંડાર. તેની પાસે દર વર્ષે 3,600 મિસાઈલ બનાવવાની ક્ષમતા છે. ત્રણ વર્ષમાં 10,000 મિસાઈલ અને 26 વર્ષમાં 20,000 મિસાઈલ. ઇઝરાયલ જેવો નાનો દેશ આ સહન કરી શકે નહીં. આથી અમારે કોઈપણ કિંમતે કાર્યવાહી કરવી પડી.’

Leave a comment

Trending